હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himalayas glof risk 9 million people

![]()
Himalayan Tsunami : હિમાલયના બરફીલા શિખરો વચ્ચે એક એવી તબાહી આકાર લઈ રહી છે, જે સુનામીથી ઓછી ખતરનાક નથી. IIT રૂરકીના સંશોધકોએ એક ચોંકાવનારા અભ્યાસમાં જણાવ્યું છે કે, હિમાલયના પર્વતો પર બનેલા ગ્લેશિયલ તળાવો (હિમનદી તળાવો) નો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ માં પ્રકાશિત રવીન્દ્ર કુમાર અને સૌરભ વિજયના આ સંશોધન મુજબ, હાઈ માઉન્ટેન એશિયા (HMA) ક્ષેત્રમાં 2016 થી 2024 વચ્ચે આ તળાવોના ક્ષેત્રફળમાં 5.5 ટકાનો જંગી વધારો થયો છે. હાલમાં 31,000 થી વધુ આવા તળાવો છે, જે 93 લાખ લોકો માટે સીધો ખતરો બની ગયા છે.
શું છે ‘હિમાલયી સુનામી’ અથવા GLOF?
જ્યારે પર્વતો પરના ગ્લેશિયર પીગળે છે, ત્યારે તેનું પાણી ખાલી જગ્યાઓમાં જમા થઈને તળાવો બનાવે છે. આ તળાવોની ચારે બાજુ કોઈ પાકા ડેમ હોતા નથી, પરંતુ તે કાચા ખડકો, બરફ અને કાટમાળ (Moraine) ના કુદરતી અવરોધોથી ઘેરાયેલા હોય છે.
કેવી રીતે આવે છે પૂર: જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું દબાણ વધે છે અથવા હિમપ્રપાતનો બરફ કે કાટમાળ (એવલાન્ચ) આ તળાવોમાં પડે છે, ત્યારે આ કુદરતી બંધો ફાટી જાય છે. આને ‘ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) અથવા હિમાલયી સુનામી કહેવામાં આવે છે.
ભૂતકાળના ઉદાહરણો: 2013 ની કેદારનાથની ત્રાસદી અને 2023 માં સિક્કિમમાં આવેલું પૂર આ જોખમના મોટા ઉદાહરણો છે. આ તળાવો એટલી ઊંચાઈ પર હોય છે કે જ્યારે તેનું પાણી નીચે પડે છે, ત્યારે તે પ્રચંડ ગતિ પકડી લે છે. તે માત્ર પાણી જ નહીં, પણ મોટા પથ્થરો, માટી અને ઝાડને પણ સાથે વહાવી લાવે છે, જે રસ્તામાં આવતી દરેક વસ્તુને તબાહ કરી શકે તેટલા પ્રચંડવેગથી આવતું હોય છે.
અત્યાધુનિક ટેકનોલોજીથી દેખરેખ
હજારો ફૂટની ઊંચાઈ અને દુર્ગમ રસ્તાઓને કારણે આ તળાવો પર નજર રાખવી અશક્ય હતી. પરંતુ IIT રૂરકીના વૈજ્ઞાનિકોએ નાસા (NASA) અને USGS ના ‘લેન્ડસેટ 8’ તેમજ યુરોપિયન સ્પેસ એજન્સીના ‘સેન્ટિનલ’ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને આ ઝીણવટભરી વિગતો મેળવી છે. આ ટેકનોલોજી વાદળોની આરપાર પણ જોઈ શકે છે, જેનાથી ‘ત્રીજા ધ્રુવ’ (Third Pole) ગણાતા આ વિસ્તારનું મોનિટરિંગ હવે શક્ય બન્યું છે.
કયા વિસ્તારોમાં સૌથી વધુ જોખમ?
* અભ્યાસ મુજબ, તળાવો વધવાની ગતિ દરેક વિસ્તારમાં અલગ-અલગ છે:
* કિલિયન શાન (Qilian Shan): અહીં તળાવોના ક્ષેત્રફળમાં સૌથી વધુ 22.5 ટકાનો વધારો થયો છે.
* પૂર્વી હિમાલય: આ વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ છે કારણ કે અહીં તળાવોની સંખ્યા સૌથી વધુ છે.
* ભારતની સ્થિતિ: ભારતમાં અંદાજે 30 લાખ લોકો સીધી રીતે આ અસ્થિર તળાવોની નીચેના વિસ્તારોમાં વસેલા છે.
93 લાખ લોકો પર મોતના મંડરાતા પડછાયા
વિશ્વભરમાં ગ્લેશિયરના પૂરથી જેટલા લોકોને ખતરો છે, તેમાંથી 62 ટકા લોકો એકલા હાઈ માઉન્ટેન એશિયા ક્ષેત્રમાં રહે છે. હિમાલયના આ હિસ્સામાં રહેતા ઘણા પરિવારો આ તળાવોથી માત્ર 10 કિલોમીટરના વિસ્તારમાં જ રહે છે. જો કોઈ તળાવ ફાટે, તો લોકોને ચેતવણી આપવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બહુ ઓછો સમય મળશે. આ તળાવો ‘ટિકિંગ ટાઈમ બોમ્બ’ સમાન છે. જો ગ્લોબલ વોર્મિંગની ગતિ આવી જ રહી, તો ભવિષ્યમાં કેદારનાથ જેવી હોનારતોનું જોખમ વધી શકે છે.



