અમારા ભરોસે બેસી ના રહેતા, તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ ટેન્શન વધ્યું! | US Issues Urgent Advisory Asks Citizens to Leave Iran Amid Rising Tensions

America Warns Citizens to Exit Iran Immediately : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા વારંવાર ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યું હતું. એવામાં આજે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા અમેરિકાના તમામ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા એડવાઈઝરી જાહેર કરી છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો
નોંધનીય છે કે ઈરાનના ગયા વર્ષના અંતમાં સત્તા વિરોધી આંદોલન શરૂ થયા હતા. જે બાદથી જ સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઈરાનની સરકારનો દાવો છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિ જવાબદાર છે. આંદોલન કરી રહેલા લોકોને સરકાર આતંકવાદી ગણાવી રહી છે. બીજી તરફ અમેરિકા વારંવાર કહી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલન કરી રહેલા લોકોની હત્યા કરવામાં આવી તો અમે ઈરાન પર હુમલો કરીશું. જે બાદથી જ બંને દેશો વચ્ચે વાકયુદ્ધ થઈ રહ્યું હતું.
ઈરાનમાં અનેક રસ્તાઓ ઠપ, મોબાઈલ નેટવર્ક, ઈન્ટરનેટ ઠપ
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર ઈરાને સુરક્ષા વધારવા માટે કેટલાક રસ્તાઓ બંધ કર્યા છે અને હવાઈ યાત્રા પણ સીમિત કરી છે. બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે જો હજુ પણ ઈરાનમાં કોઈ અમેરિકાના નાગરિકો હાજર હોય તો હવાઈ, દરિયાઈ અથવા સડક માર્ગે ગમે તેમ કરીને ઈરાનથી બહાર નીકળે. દુનિયાભરની એરલાઈન્સ ઈરાન તરફથી ફ્લાઈટ્સ પણ રદ કરી રહી છે.
અમેરિકાએ તેના નાગરિકોને શું સલાહ આપી?
– અમેરિકાની સરકારના ભરોસે બેસી ના રહો, તાત્કાલિક ઈરાન છોડો
– જરૂર પડે તો આર્મેનિયા અથવા તુર્કીયે પહોંચો
– ઈરાનમાં ઈન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક ઠપ; રસ્તા બંધ થઈ રહ્યા છે
– જો ઈરાન છોડી ના શકો તો ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી કોઈ સુરક્ષિત જગ્યાએ આશરો લઈ લો
– સ્થાનિક મીડિયા પર નજર રાખો, કોઈ સાથે વાદવિવાદમાં ના પડશો
– ફોન ચાર્જ કરી રાખો, પરિવાર અને મિત્રો સાથે સંપર્ક બનાવી રાખો
નોંધનીય છે કે શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ઓમાનમાં બેઠક થવાની છે. જેમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ભાગ લેશે.



