दुनिया

‘હવે દેશમાં ફક્ત ઈસ્લામિક કાયદો ચાલશે..’, બાંગ્લાદેશમાં ચૂંટણી અગાઉ જમાતના નેતાનું એલાન | bangladesh jamaat leader announces islamic law before elections



Bangladesh Elections 2026: બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને કટ્ટરપંથી ગણાતી પાર્ટી જમાત-એ-ઇસ્લામી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. રાજશાહીમાં આયોજિત એક વિશાળ ચૂંટણી સભાને સંબોધતા પાર્ટીના કેન્દ્રીય નાયબ-એ-અમીર પ્રોફેસર મુજીબુર રહેમાને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આઝાદી પછી અત્યાર સુધી દેશમાં અલ્લાહનો કાયદો લાગુ થયો નથી, પરંતુ હવે પછીની સંસદ માત્ર કુરાન અને સુન્નત પર આધારિત અલ્લાહના કાયદાથી જ ચાલશે.

મદ્રેસા મેદાનમાં મુજીબુર રહેમાનનું શક્તિ પ્રદર્શન

મુજીબુર રહેમાને પદ્મા નદીના કિનારે મદ્રેસા મેદાનમાં જનસભાને સંબોધતા કહ્યું કે, ‘ભવિષ્યમાં દેશમાં મનુષ્યો દ્વારા બનાવવામાં આવેલો કોઈ પણ કાયદો સ્વીકારવામાં આવશે નહીં.’ તેમણે મતદારોને અપીલ કરી હતી કે જો તેઓ દેશમાં ઈસ્લામિક કાયદો જોવા માંગતા હોય, તો તેમણે જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને મત આપીને વિજયી બનાવવા જોઈએ.

બાંગ્લાદેશમાં બદલાતું રાજકીય સમીકરણ

બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનકાળ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં જમાત-એ-ઇસ્લામી ફરી એકવાર પોતાની જૂની અને કટ્ટરપંથી વિચારધારા તરફ વળી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. આગામી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે જમાતે 11 પક્ષો સાથે મળીને એક મજબૂત રાજકીય ગઠબંધન તૈયાર કર્યું છે, જેના માધ્યમથી તેઓ ધર્મના નામે મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: હવે ટ્રમ્પનો SAVE અમેરિકાનો નારો, નવો કાયદો લાવી ચૂંટણી પ્રક્રિયા જ બદલી નાખવાની તૈયારી

માનવ-નિર્મિત કાયદાઓને સ્થાને ધાર્મિક શાસનની હિમાયત

આ આક્રમક વલણની પરાકાષ્ઠા પ્રોફેસર રહેમાનના નિવેદનમાં જોવા મળી હતી, જેમાં તેમણે સીધો સંસદ પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે પછીની સંસદ મનુષ્ય નિર્મિત કાયદાઓને બદલે સંપૂર્ણપણે ધાર્મિક કાયદાઓ દ્વારા સંચાલિત થશે. આ સ્થિતિ સૂચવે છે કે લોકશાહી ઢબે ચૂંટણી લડતી હોવા છતાં, પાર્ટીનો અંતિમ ઉદ્દેશ્ય દેશના બંધારણીય માળખાને બદલીને કટ્ટરપંથી વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.

ચૂંટણી પૂર્વે આક્રમક રણનીતિ

આ નિવેદન બાદ બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિશ્લેષકો માની રહ્યા છે કે આ પ્રકારની નિવેદનબાજી લોકતાંત્રિક મૂલ્યો અને દેશના બંધારણ સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. ચૂંટણી પહેલા જમાત-એ-ઇસ્લામીનું આ આક્રમક વલણ બાંગ્લાદેશના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.


'હવે દેશમાં ફક્ત ઈસ્લામિક કાયદો ચાલશે..', બાંગ્લાદેશમાં ચૂંટણી અગાઉ જમાતના નેતાનું એલાન 2 - image



Source link

Related Articles

Back to top button