ફિલિપાઇન્સમાં ભીષણ દાવાનળ, 1000થી વધુ મકાનો બળીને રાખ, 5000થી વધુ લોકો બેઘર | philippines bongao island fire 1000 houses burnt 2026

![]()
Fire Viral Video Philippines : દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાળાઓએ અંદાજે 1000 ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને 5000 લોકોને બેઘર કરી દીધા. આ આગ એટલી ભયાનક હતી કે લગભગ ચાર કલાક સુધી સતત સળગતી રહી અને તેજ પવનોએ તેને વધુ ભયાવહ બનાવી દીધી.
આગ ક્યારે અને ક્યાં લાગી?
સમાચાર એજન્સી PNA અનુસાર, આગ ‘બારાંગાય લામિયન’ નામના વિસ્તારમાં શરુ થઈ હતી. આ વિસ્તાર એક નાના ટાપુ પર વસેલો છે. જ્યાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલાઓ પર બનેલા હોય છે. મોટાભાગના ઘરો લાકડું, વાંસ અને નારિયેળના પાંદડા જેવી હળવી સામગ્રીથી બનેલા હતા. ઘરો એકબીજાની અત્યંત નજીક હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.
કેટલું નુકસાન થયું?
આ ભયાનક આગમાં 1000થી વધારે ઘર બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત આગને કારણે આખી વસ્તી લગભગ ખાલી થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે અથવા કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.અસરગ્રસ્તોનો પ્રાથમિક આંકડો જ 5 હજાર કરતાં વધારે લોકોનો છે.
આગની તસવીરો અને વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ જ્વાળાઓ અને કાળો ધુમાડો જોઈ શકાય છે. ફેસબુક પેજ ‘S/B F&M SeaJet’ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આગની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે દૂરથી પણ આખો વિસ્તાર સળગતો દેખાતો હતો.
આગ આટલી ઝડપથી કેમ ફેલાઈ?
આ પ્રકારના ટાપુઓ પર વસેલી વસ્તીઓ મોટાભાગે ગરીબ સમુદાયોની હોય છે. ઘરો પાણી પર થાંભલાઓ પર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. જ્વલનશીલ સામગ્રી અને ગીચતાને કારણે આગને મોકળું મેદાન મળે અને ફાયરવિભાગ અંદર સુધી જઇ શકતો નથી. તેજ પવનોએ આગને ફેલાવામાં મદદરૂપ સાબિત થયા હતા.
તપાસ અને રાહત કામગીરી
અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાના ચોક્કસ કારણનો ખુલાસો કર્યો નથી, હાલ તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સ્થાનિક સરકાર અને રાહત એજન્સીઓ અત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખોરાક, પાણી, કપડાં અને કામચલાઉ રહેઠાણ પૂરી પાડી રહી છે. હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોવાથી તેમના પુનર્વસનમાં લાંબો સમય લાગશે.



