ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ બાદ જયશંકર અને રૂબિયોની મુલાકાત, આર્થિક-વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર | India US Ties Following Trade Agreement Jaishankar And Rubio Hold Important Meeting In Washington

![]()
S Jaishankar Meets Marco Rubio: ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. આ મુલાકાત મહત્વપૂર્ણ ખનિજો પરના પ્રથમ મંત્રી પરિષદ પહેલા થઈ હતી. બંને મંંત્રીઓએ દુર્લભ ખનિજોના સંશોધન, માઈનિંગ અને પ્રોસેસિંગ પર દ્વિપક્ષીય સહયોગને ઔપચારિક રૂપ આપવા પર ચર્ચા કરી. રુબિયોએ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જયશંકરનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈ કે, આ પ્રવાસ અને મુલાકાતથી આશા છે કે, ભારત-અમેરિકાના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ આવશે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત થશે.
આર્થિક-વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર
જયશંકરના જણાવ્યા મુજબ આ વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ, જેમાં વેપાર, ઊર્જા, પરમાણુ, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજી સામેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, બંને નેતાઓ આપણા સહિયારા હિતોને આગળ ધપાવવા માટે અલગ-અલગ મેકેનિઝમની ટૂંક સમયમાં બેઠક યોજવા સંમત થયા.
ઐતિહાસિક વેપાર કરારનું કર્યું સ્વાગત
બંને મંત્રીઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું પણ સ્વાગત કર્યું. બેઠકના અંતે વિદેશ મંત્રી રુબિયો અને મંત્રી જયશંકરે ક્વાડ હેઠળ પરસ્પર અને બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે બંને દેશોના સહિયારા હિતોને આગળ વધારવા માટે સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર આવશ્યક છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાના પ્રવાસે
વિદેશ મંત્રી એસ. જયશંકર 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી અમેરિકાના પ્રવાસ પર છે. આ મદરમિયાન તેઓ રુબિયો દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ વરિષ્ઠ અમેરિકન વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ બેઠકોનો હેતુ ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
વેપાર કરારના એક દિવસ બાદ થઈ મુલાકાત
જયશંકર અને રુબિયો વચ્ચેની આ મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એલાન બાદ થઈ છે જેમાં ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની પુષ્ટિ કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વેપાર કરાર પર સહમતિ બની છે. આટલું જ નહીં આ કરાર બાદ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફમાં 25 ટકાથી ઘટાડો કરીને 18 ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.
સ્કૉટ બેસેન્ટ સાથે પણ મુલાકાત કરી
આ સાથે જ જયશંકરે વોશિંગ્ટનમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘આ મુલાકાત મારા માટે ખૂબ જ ઉપયોગી અને ફળદાયી રહી. બંને પક્ષોએ ભારત-અમેરિકા આર્થિક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવા પર ચર્ચા કરી.’
ભારત-અમેરિકા વચ્ચે તણાવ
તમને જણાવી દઈએ કે, છેલ્લા 9-10 મહિનામાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો, જેનું મુખ્ય કારણ વેપાર વાટાઘાટોમાં ગતિરોધ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચો ટેરિફ હતો.
વોશિંગ્ટનમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાનને મહત્ત્વ આપવું અને ભારતના ઈનકાર છતાં ટ્રમ્પનાં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવાના વારંવારના દાવાઓથી પણ ભારતમાં ચિંતા વધી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પની એક જાહેરાતથી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન! ભારતે ડીલ કરી ‘ખેલ’ પાડી દીધો
જોકે, અમેરિકાના નેતૃત્વમાંક્રિટિકલ મિનરલ્સ પર યોજાનારી મહત્ત્વપૂર્ણ બેઠકમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ સ્પષ્ટ સંકેત છે કે, અમેરિકાએ ભારતની સંવેદનશીલતાનું સન્માન કર્યું અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાથમિકતા આપી છે.



