दुनिया

બલુચિસ્તાનના 14 શહેરો પર બળવાખોરોનો કબજો : 85 પાક. સૈનિકનાં મોત, અનેક ઘાયલ | Rebels take control of 14 cities in Balochistan: 85 Pak soldiers killed many injured



– પાકિસ્તાનથી આઝાદી માટે બલુચિસ્તાન લિબરેશન આર્મીનું ઓપરેશન હેરોક-2

– અનેક જિલ્લામાં એક સાથે હુમલા કરાયા બાદ બંદુકો સાથે બળવાખોરો રસ્તા પર ઉતર્યા, પોલીસ સ્ટેશનો સહિતના સ્થળો કાબુમાં લીધા

– રેલવે-ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ, બળવાખોરો સામે પાક. સૈન્યએ હેલિકોપ્ટરની મદદ લેવી પડી

ક્વેટા : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર જઇ રહી છે. બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ ‘ઓપરેશન હેરોફ ૨.૦’ની ઘોષણા કરી દીધી છે. સમગ્ર પ્રાંત જ હવે યુદ્ધ ભૂમિ બની ગયો છે. છેલ્લા પાંચ કલાકમાં બલુચિસ્તાનનાં ૧૪ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ વચ્ચે પોલીસ મથકો સહિતના મહત્વા સ્થળો પર કબ્જા જમાવવાની ઘટનાઓએ તે સમગ્ર પ્રાંતમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી કરી દીધી છે. સૌથી વધુ અસર તો પ્રાંતીય મુખ્ય-મથક ક્વેટામાં થઈ છે. શહેરમાં સતત ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટો થઇ રહ્યા છે.  આ હુમલામાં પાક.ના ૮૫થી વધુ સૈનિકો મર્યાનો બીએલએનો દાવો છે.

બળવાખોરોએ સરિયાલ ન્યૂ પોલીસ સ્ટેશન અને ઇસ્ટર્ન બાયપાસ પોલીસ સ્ટેશન ઉપર કબ્જો કરી દીધો છે આ પછી બલુચિસ્તાનની તમામ હોસ્પિટલોમાં ‘કટોકટી’ (ઇમર્જન્સી) જાહેર કરી દેવામાં આવી છે.

 એગ્રીકલ્ચર કોલોની સ્થિત સૈન્ય શિબિર પાસે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર્સ સતત ચકરાવા લઈ રહ્યા છે. 

કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો પોસ્ટ છોડીને ભાગતા જોવા મળ્યા છે.  

નરસીહાબાદ અને નુશ્કીમાં તો સ્થિતિ ઘણી વધુ ગંભીર બની છે. નરસીહાબાદ શહેર ઉપર બી.એલ.એ. એ કબ્જો કરી લીધો છે તેમ કહેવાય છે કે ત્યાં આઇ.એસ.આઇ.ના મુખ્ય મથક અને સેનાના કેમ્પ ઉપર ભારે ગોળીબારી થઈ રહી છે. 

નુશ્કીમાં બળવાખોરોએ સીટીડીના આઠ કર્મચારીઓને મારી નાખ્યા હતા અને સેન્ટ્રલ જેલ ઉપર હુમલો કરી કેદીઓને મુક્ત કરી દીધા હતા.

ગ્વાદરમાં ભીષણ હુમલા :

અરબી સમુદ્ર પર રહેલા મહત્ત્વના કુદરતી બંદર પર હુમલા થઈ રહ્યા છે ત્યાં જાસૂસી એજન્સીના ‘હેડ ક્વાર્ટર’ તથા સ્થાનિક પી.સી. હોટેલ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. પસનીમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ ઉપર વિસ્ફોટક ભરેલુ વાહન ફરી વળ્યું હતું. કોસ્ટલ હાઇવેને પણ બળવાખોરોએ નિશાન બનાવ્યો તે પહેલાં તો કોસ્ટ ગાર્ડ કેમ્પમાં તેઓ ઘૂસી ગયા હતા. કોસ્ટલ હાઇવે ઉપર બળવાખોરોના કબ્જાથી સેનાની આવનજાવન રોકાઈ ગઈ છે. તટીય ક્ષેત્રનો સંપર્ક તૂટી ગયો છે.

બલુચિસ્તાનમાં રેલવે સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રખાઈ છે કેટલાય શહેરોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ક્વાન, મસુંગ, દાલબંદીત, ખારાત, તુમખ અને બુલેદામાં પણ તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તુમખમાંથી તો સલામતી દળો પાછાં હઠી રહ્યા હોવાના સમાચારો મળ્યા છે. બળવાખોરોના ૩ યુનિટ્સ ખતરનાક છે (૧) મજીદ બ્રિગેડ (ફીદાયીન યુનિટ), (૨) ફત્તેહ સ્કવોડ (શહેરી કબ્જા માટેનું એકમ) અને (૩) એસ.ટી.ઓ.એસ. (સ્પેશ્ય ટેક્નિકલ ઓપરેશન સ્કવોડ)

આ બળવાખોર એકમોને દબાવી શકાતા નથી અત્યારે તો બલુચિસ્તાન દેશ સાથે કોઈ સંપર્કમાં જ નથી તેમને દબાવવા સલામતી દળો મથી રહ્યાં છે પરંતુ સફળ થતા નથી. બલુચોનો સૌથી મોટો વાંધો તેમના દેશમાંથી દુર્લભ ખનિજો લઈ જઈ અમેરિકા કે ચીનને વેચવા સામે છે. ચીનાઓની ચાલી રહેલી જોહુકમી સામે વાંધો છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર જે ક્વેટાથી ગ્વાદર સુધી જાય છે તે ધોરીમાર્ગ પણ બંધ છે. ગ્વાડરમાં બંદરના નવીનીકરણમાં વ્યસ્ત ચીનાઓ ફસાઈ ગયા છે.

67 બળવાખોરો માર્યા : પાક. સૈન્યનો દાવો

કરાચી : બલુચિસ્તાનમાં બળવા વચ્ચે પાકિસ્તાની સૈન્યએ દાવો કર્યો છે કે બલુચિસ્તાનમાં સૈન્યની કાર્યવાહીમાં ૬૭ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકો બલુચિસ્તાન લિબરેશન આર્મી સાથે જોડાયેલા હોવાની શક્યતાઓ છે જેને પાકિસ્તાન આતંકવાદી સંગઠન ગણાવી રહ્યું છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહીદ રિન્દે કહ્યું હતું કે ક્વેટા સહિતના સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. જે બાદ સૈન્ય દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૬૭ આતંકવાદીઓ માર્યા છે. જોકે બીએલએ દ્વારા પોતાના બળવાખોર લડાકાઓના મોતનો ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી. 



Source link

Related Articles

Back to top button