ટ્રમ્પ પર ઈઝરાયેલનું નિયંત્રણ, જમાઈ જેરેટની પ્રમુખના કામમાં વધુ દખલ | Israel’s control over Trump son in law Jarrett’s further interference in the president’s work

![]()
– જેફ્રી એપસ્ટીન ફાઈલ્સમાં નવો ઘટસ્ફોટ
– ન્યાય વિભાગે 2,000 વીડિયો, 1.80 લાખ તસવીરો સાથે એપસ્ટીન ફાઈલ્સના સૌથી વધુ 30 લાખ દસ્તાવેજો જાહેર કર્યા
– ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે જેફરી એપસ્ટીનના અંગત ટાપુ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનો પણ દાવો
ન્યૂ યોર્ક : અમેરિકાના ન્યાય વિભાગે કુખ્યાત જાતીય ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ ૩૦ લાખથી વધુ પાનાના દસ્તાવેજ જાહેર કર્યા છે. આ દસ્તાવેજોમાંએફબીઆઈના રિપોર્ટને ટાંકીને દાવો કરાયો છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈઝરાયેલનું જબરજસ્ત નિયંત્રણ છે. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નેરની ટ્રમ્પના વેપાર-ઉદ્યોગ તથા પ્રમુખપદના કામકાજમાં વધુ પડતી દખલ છે. આ દસ્તાવેજોમાં બિલ ગેટ્સને રશિયન છોકરીઓ સાથે સંબંધ બનાવવા જતા ગુપ્ત રોગ થઈ ગયો હોવાનો પણ દાવો કરાયો છે.
અમેરિકાના ન્યાય વિભાગે શુક્રવારે જેફ્રી એપસ્ટીનના કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩૦ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે, જેમાં ૨,૦૦૦થી વધુ વીડિયો અને ૧.૮૦ લાખથી વધુ તસવીરોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાંચે કહ્યું કે, અબજોપતિ ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીન દ્વારા છોકરીઓના જાતીય શોષણ અને ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, ઈલોન મસ્ક સહિત દેશના શક્તિશાળી લોકો સાથે એપસ્ટીનના સંપર્કો અંગે ફેડરલ સરકાર કેટલું જાણે છે તે દર્શાવવાના ઈરાદાથી આ દસ્તાવેજો જાહેર કરાયા છે. આ દસ્તાવેજો ન્યાય વિભાગની વેબસાઈટ પર પોસ્ટ કરાયા છે.
ન્યાય વિભાગે જાહેર કરેલી એપસ્ટીન સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં અનેક ગંભીર અને સનસનાટીપૂર્ણ આક્ષેપ કરાયા છે. એક દસ્તાવેજમાં એફબીઆઈના એક રિપોર્ટમાં વિશ્વસનીય ગુપ્ત સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈઝરાયેલનું જબરજસ્ત દબાણ હતું. રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે ટ્રમ્પના યહુદી જમાઈ જેરેડ કુશ્નરની ટ્રમ્પના વેપાર ઉદ્યોગ અને પ્રમુખપદના કામકાજ બંનેમાં જરૂર કરતાં વધુ દખલ હતી. કુશ્નરના પરિવારના કથિત ભ્રષ્ટાચાર, રશિયન નાણાંની લેવડદેવડ અને કટ્ટર યહુદી ચબાડ નેટવર્ક સાથે સંબંધો રહ્યા છે. કુશ્નરના પિતાને અગાઉ નાણાકીય કેસોમાં દોષિત ઠેરવાયા હતા, પરંતુ પાચળથી ટ્રમ્પે તેમને પ્રમુખપદેથી માફી આપી હતી.
આ દસ્તાવેજોમાં જેફ્રી એપસ્ટીનના ઈંગ્લેન્ડના પૂર્વ રાજકુમાર એન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસર, ડોનાલ્ડ ટ્રમ્પ, ઈલોન મસ્ક, બિલ ગેટ્સ, ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીનાં ભારતીય મૂળનાં માતા મીરાં નાયર સહિત અનેક હસ્તીઓ સાથે તેના સંપર્કોની વિગતો જાહેર કરાઈ છે. જોકે, આ સાથે તેમાં જણાવાયું છે કે આ દસ્તાવેજોમાં જાહેર કરાયેલી વ્યક્તિઓ જેફ્રી એપસ્ટીનના ગુનાઓમાં સંડોવાયેલી હોય તે જરૂરી નથી.
આ દસ્તાવેજોમાં કેટલાક ૨૦૧૩માં એપસ્ટીને પોતાની જાતને લખેલા ઈ-મેલનો સમાવેશ થાય છે. આ ડ્રાફ્ટ ઈ-મેલમાં એપસ્ટીન દાવો કરે છે કે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અંગે પણ ગંભીર આક્ષેપ કરાયા છે. આ દસ્તાવેજોમાં દાવો કરાયો છે કે રશિયન છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા પછી ગેટ્સને ગુપ્ત રોગ થઈ ગયો હતો. એટલું જ નહીં બિલ ગેટ્સે તેની પાસે દવાઓ માગી, જેથી તે તત્કાલીન પત્ની બેલિન્ડા ગેટ્સને ચૂપચાપ આ દવાઓ આપી શકે. જોકે, આ દાવાઓની ખરાઈ થઈ શકી નથી. બીજીબાજુ બિલ ગેટ્સે આ આક્ષેપો નકારી કાઢ્યા છે.
અન્ય એક દસ્તાવેજમાં દાવો કરાયો છે કે ટેસ્લાના માલિક ઈલોન મસ્કે એપસ્ટીનના આઈલેન્ડ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એપસ્ટીને મસ્કને વર્જિન આઈલેન્ડ સ્થિત તેના ખાનગી ટાપુ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું અને સંભવિત તારીખો, પ્રવાસની વ્યવસ્થા અને મુલાકાતો અંગે ચર્ચા પણ કરી હતી. જોકે, ઈલોન મસ્ક ક્યારેય એપસ્ટીનના ટાપુ પર ગયા હતા કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.



