दुनिया

ટ્રમ્પે રશિયાનું ઓઇલ ટેન્કર જપ્ત કરતાં વૈશ્વિક તંગદિલી વધી | Global tensions rise as Trump seizes Russian oil tanker



– પુતિનનું સબમરીન-યુદ્ધજહાજ મોકલવાનું એળે ગયું

– અમેરિકન નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે બ્રિટનની મદદથી અઠવાડિયાઓની જહેમત બાદ ઓપરેશન પાર પાડયું

– અમેરિકા સમુદ્રમાં ખુલ્લી લૂંટ ચલાવી રહ્યું છેઃ પોતાનું ટેન્કર જપ્ત થતાં રશિયા વીફર્યુ

વોશિંગ્ટન : બોલિવૂડની ફિલ્મોમાં કટોકટીની સ્થિતિ માટે જાણીતો સંવાદ છે, આખિર વહી હુઆ જિસ કા ડર થા. અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને રશિયા-ચીનને આડકતરો પડકાર ફેંક્યો હતો. અમેરિકન નેવીએ રશિયન યુદ્ધજહાજ અને સબમરીનની હાજરીમાં વેનેઝુેએલાથી રશિયા જતાં ઓઇલ ટેન્કરને જપ્ત કરતાં અમેરિકા અને રશિયા સામસામે આવતા વૈશ્વિક તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. 

એકબાજુએ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ છે ત્યારે આ ઘટના કોઈ નવી જ વૈશ્વિક ચિનગારી બનીને ભડકો કરે તેવી શંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.આ ઘટનાના પગલે અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનના યુદ્ધને લઈને પ્રવર્તતો તનાવ ખતરનાક સ્થિતિમાં પહોંચી જઈ શકે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અઠવાડિયાઓ સુધી ચાલેલા ડ્રામા પછી અમેરિકાએ રશિયાના ઝંડાવાળા ઓઇલ ટેન્કર મરીનેરાને સફળતાપૂર્વક જપ્ત કર્યુ છે. આ ઉપરાંત બીજું એક ટેન્કર પણ અમેરિકાએ જપ્ત કર્યુ છે. અમેરિકાની રશિયા સામે આ લશ્કરી કાર્યવાહીએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે આ ઓપરેશન દરમિયાન રશિયન યુદ્ધજહાજ અને સબમરીન પણ હાજર હતી. આમ એક સમયે રશિયાના જે યુદ્ધકાફલાને જોઈને અમેરિકન લશ્કર પાછું વળી જતું હતું તે હવે રશિયાના કાફલાની હાજરીમાં તેના જ જહાજને ઉપાડી ગયું છે.આ પહેલા અમેરિકાના યુરોપીયન કમાન્ડે સમર્થન આપ્યું હતું કે વેનેઝુએલાના ઓઇલ વેપાર સાથે જોડાયેલા રશિયન ઓઇલ ટેન્કર મરીનેરાને અમેરિકન લશ્કર અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન વડે તેના અંકુશમાં લઈ લીધું છે. ફેડરલ કોર્ટના વોરંટના આધાર પર કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રતિબંધોના ભંગના આરોપમાં કરવામાં આવી છે. 

અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રશિયન ટેન્કર જપ્ત કરવાની કાર્યવાહી રાતોરાત સફળ થઈ નથી. આ ટેન્કરનો અઠવાડિયાઓ સુધી એટલાન્ટિક મહાસાગરમાં ટ્રેક રાખવામાં આવ્યો હતો. આ ટેન્કર પહેલા અમેરિકાની ઘેરાબંધીને ચૂકવીને નીકળી ગયું હતું. 

આ ટેન્કરે અમેરિકન કોસ્ટ ગાર્ડના વારંવાર આપવામાં આવેલા આદેશો અને જહાજ પર ચઢીને તપાસ કરવાની વિનંતીઓ ગણકારી ન હતી. ફક્ત એટલું જ નહીં પકડાઈ જવાના ડરે જહાજે સમુદ્રની વચ્ચે પોતાની ઓળખ છૂપાવવા ઝંડો અને રજિસ્ટ્રેશન સુદ્ધા બદલી કાઢ્યા હતા. આ આખી ઘેરાબંધી ત્યારે તનાવપૂર્ણ થઈ જ્યારે આંતરરાષ્ટ્રીય જાસૂસી રિપોર્ટમાં ખુલાસો થયો કે ટેન્કરના રુટની આસપાસ રશિયન લશ્કરની પ્રવૃત્તિ વધી ગઈ છે. જો કે રશિયન જહાજો અને ટેન્કર વચ્ચે કેટલું અંતર હતુ તે સ્પષ્ટ કરી શકાયું નથી, પરંતુ તેની હાજરીએ આ ઓપરેશનને એક ગંભીર ભૂરાજકીય ટક્કરમાં બદલી કાઢ્યું હતું. 

આ પડકારજનક ઓપરેશનમાં બ્રિટને મહત્ત્વનો સહયોગ આપ્યો હતો. બ્રિટને અહીં લોન્ચપેડ તરીકેની કામગીરી ભજવી હતી. તેણે આ ઓપરેશન માટે પોતાની જમીન પૂરી પાડી હતી. આ ટેન્કર જ્યારે આઇસલેન્ડ અને બ્રિટન વચ્ચેથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે રોયલ બ્રિટિશ એરફોર્સના પ્લેનોએ ટેન્કરનો ટ્રેક રાખ્યો હતો અને અમેરિકન લશ્કરને તેની ચોકસાઈપૂર્વકની જાણકારી આપી હતી.  તેના માટે બ્રિટિશ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બનાવના પગલે રશિયની આકરી પ્રતિક્રિયા સામે આવી શકે છે. તેના પગલે વૈશ્વિક તંગદિલી નવા જ સ્તરે પહોંચે તો કોઈને આશ્ચર્ય નહી જાય. આ દરમિયાન ટ્રમ્પ વેનેઝુએલાનું ઓઇલ વૈશ્વિક અર્થતંત્રોને વેચવા માટે શિપિંગ પરના પ્રતિબંધોમાં તેની મરજી મુજબનો ફેરફાર કરી શકે છે.

દરમિયાનમાં અમેરિકાના આ  પગલે રશિયા બરોબરનું વીફર્યુ હતુ અને રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા સમુદ્રમાં ખુલ્લી લૂંટ ચલાવી રહ્યુ છે. 

અમેરિકાના તટથી ચાર હજાર કિ.મી. દૂરથી અમેરિકન કાયદો કઈ રીતે લાગુ પડે. તેણે જણાવ્યું હતું કે ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રના સમુંદર કાનૂન હેઠળ કોઈપણ દેશને બીજા દેશના રજિસ્ટર થયેલા જહાજ સામે બળપ્રયોગનો અધિકાર નથી. અમેરિકા તેના સમુદ્રથી ચાર હજાર કિ.મી. દૂર સમન્સ બજાવી કઈ રીતે શકે. તેની સાથે તેણે રશિયન નાગરિકો સાથે સમ્માનનીય વ્યવહાર થાય તેની ખાતરી માંગી હતી.



Source link

Related Articles

Back to top button