રાજ્યમાં આજથી આગામી ચાર દિવસ ઠંડીમાં મળશે રાહત, જાણો ક્યારથી ફરી પથરાશે ઠંડીની લહેર
અમદાવાદ : ગુજરાતમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતુ. કોલ્ડ વેવની અસર ઘટતાં છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો અનુભવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી રાજ્યભરમાં ઠંડીના જોરમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો નોંધાશે. આગામી ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધી શકે છે જેના કારણે ઠંડીમાં રાહત અનુભવાશે અને થોડી ગરમીમાં વધારો થશે
રવિવારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ રહ્યું હતુ. રાજ્યમાં સૌથી વધુ ઠંડુગાર ગાંધીનગર રહ્યું હતુ. ત્યાં લધુત્તમ તાપમાન 6.3 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે, અમદાવાદ, ડીસા, પાટણમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. અમદાવાદમાં 8.6 ડિગ્રી સાથે સતત સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ડીસા અને પાટણમાં 9.8, વડોદરામાં 11.4, રાજકોટમાં 11.6, કંડલા-સુરતમાં 13, ભાવનગરમાં 13.1, ભૂજમાં 14 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.