गुजरात

સુરત દુર્ઘટના: ગુલકશા રમી રહી હતી અને ‘ઉપરથી આવ્યું મોત’, 50ft ઉપરથી સ્લેબ સીધો માથે પડ્યો

સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં કરૂણ દુર્ઘટ ના સામે આવી છે. પોતાની મસ્તીમાં આવાસમાં રમી રહેલી માસૂમ કિશોરી પર બિલ્ડિંગની સીલિંગ તૂટી પડતાં માસૂમ મોતને ભેટી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ગુરુવારની બપોરે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. સામાજિક કાર્યકર્તા હનુમાનજીએ જણાવ્યું હતું કે 6-8 મહિનામાં આ ત્રીજો અકસ્માત કહી શકાય છે. જર્જરિત બિલ્ડિંગનાં પોપડાં પડવાથી અનેક લોકો ઘવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં સ્લેબ પડતાં ભાગદોડ મચી હતી, જેમાં 11 વર્ષીય ગુલકશા જે ધોરણ-6માં અભ્યાસ કરતી હતી તેનું મોત થયું છે. મૃતક કિશોરી ગત ગુરુવારે બપોરે વરસાદ શરૂ થઈ જતાં રમતાં રમતાં ઘર તરફ આવી રહી હતી. અચાનક બિલ્ડિંગ નંબર-13ની સીલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી ગુલકશા ઉપર પડતાં ભાગદોડ મચી ગઇ હતી. તેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ગુલકશાનું આજે સવારે મોત નીપજ્યું હતું.

વિગતે ઘટનાની વાત કરીએ તો, મૃતક બાળકીના પિતા યુપીના રહેવાસી છે. તેમને સાત બાળક છે. ગુલકશા 6 નંબરની દીકરી હતી. પહેલી પત્નીનાં 5 બાળક અને બીજી પત્નીનાં બે બાળકમાં ગુલકશા બીજી પત્નીની દીકરી હતી. સ્લેબનો કાટમાળ પડતાં કિશોરી સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 6 મહિનામાં જર્જરિત બિલ્ડિંગના સ્લેબ પડવાની ઘટનામાં લગભગ 3 જણનાં મોત થયાં છે. અનેક લોકો વારંવાર આવી ઘટનામાં ઘવાયા છે. પાલિકાનું ઉદાસીન વલણ આવાસમાં રહેતા લોકો માટે જોખમી બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુરતમાં આવી જ આકસ્મિક ઘટનામાં એક બાળકીના મોતની ઘટના સામે આવી હતી. લિંબાયત વિસ્તારમાં મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની પુત્રી મુસ્કાન(ઉ.વ.5)ને બુધવારે તાવ આવ્યો હતો. જેથી નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવ્યા હતા. મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ થયો હતો. બુધવારે સવારે મુસ્કાને દવાખાનેથી આપેલી દવાની ટીકડી જાતે જ ગળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Related Articles

Back to top button