गुजरात

સુરતમાં Textiles વેપારીઓના ‘ઘેર આનંદ ભયો’ : માર્કેટમાં ગરાકી જ ગરાકી!

સુરત : કોરોનાની ગતિ મંદ પડતા જનજીવન પણ હવે ધીરેધીરે થાળે પડી રહ્યું છે. હમણાં સુધી આર્થિક મંદી અને કોરોનાની મહામારીના કારણે પડી ભાંગેલા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની ગાડી પણ હવે ધીરે ધીરે પાટા પર આવી રહી છે. જ્યાં સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેકસ્ટાઈલ્સ માર્કેટના વેપારીઓને આશાનું એક કિરણ દેખાયું છે.અન્ય રાજ્યોમાંથી ખરીદી નીકળતા વેપારીઓના શ્વાસમાં શ્વાસ આવ્યો છે.જ્યાં આગામી 60 દિવસમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓએ આઠ હજાર કરોડના વેપારની આશા સેવી છે.

સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દેશ- દુનિયામાં જાણીતો છે. પહેલાં નોટબંધી, ત્યારબાદ જીએસટી અને બાદમાં કોરોનાએ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની ભારે કમર તોડી નાખી હતી. કોરોનાની પહેલી વેવમાં માંડ માંડ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગની ગાડી પાટા પર આવી હતી.પરંતુ બાદમાં ફરી કોરોનાની બીજી વેવ આવતા જ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ પર ફરી આર્થિક મંદિનુ ગ્રહણ લાગી ગયું હતું.મહાનગરોમાં આંશિક લોક ડાઉન અને અન્ય રાજ્યોમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ સંપૂર્ણ લોકડાઉને ધંધા વેપારને ફરી ચિંતામાં મૂકી દીધા હતા.જેના કારણે વેપારીઓને જોઈએ તેવો વેપાર મળી શક્યો નહોતો. બહારગામથી આવતા ઓર્ડરો પણ રદ થવાના કારણે વેપારીઓનો માલ અટવાઈ પડ્યો હતો.જ્યારે અન્ય રાજ્યોથી આવતા વેપારીઓએ પણ સુરત આવવાનું ટાળતા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ મરણ પથારીએ આવી ગયું હતું.

જો કે કોરોનાના કેસોની સંખ્યા ખૂબ જ ઘટી જતા સુરત સહિત અન્ય શહેરો અને રાજ્યોમાં સ્થિતિ ધીરેધીરે રાબેતા મુજબની થતી જઈ રહી છે. જેના કારણે ધંધા વેપાર પણ હવે પહેલાની જેમ ધમધમતા થવા લાગ્યા છે.જેના કારણે સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા આગામી 60 દિવસ માટે સારા વેપારની આશા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રી,દુર્ગા પૂજા અને દિવાળી સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા અંદાજીત 8 હજાર કરોડનો વેપાર થાય તેવો અંદાજ ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા માનવામાં આવી રહ્યો છે.સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી રંગનાથ શારદાના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે તહેવારોની સિઝન આવતા જ કાપડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે.

કોરોનાની પહેલી લહેરમાં માર્ચથી ઓગસ્ટ મહિના સુધીનો સંપૂર્ણ વેપાર ટેક્સટાઇલ ઉદ્યોગે ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017 અને જીએસટી કાયદાના અમલી પહેલા સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગનો 60 દિવસનો વેપાર બાર હજાર કરોડનો હતો.જે વર્ષ 2018 અને 2019 માં માત્ર 2 હજાર કરોડ સુધી સીમિત થઈ ગયો હતો.જો કે હવે કોરોના ના કેસો પણ ઘટી ચૂક્યા છે અને સપ્ટેમ્બર માસની શરૂઆત થવાની છે ત્યારે સુરતના ટેકસટાઈલ ઉધોગ નાના વેપારીઓને બહારગામથી ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે વેપારીઓના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી છે.

હમણાં સુધી તહેવારની તમામ સિઝનો નિષ્ફળ જતા કરોડોનો વેપાર ગુમાવવો પડ્યો હતો .પરંતુ જેમ કોરોનાના કેસો ઘટતા હવે અલગ અલગ રાજ્યોમાંથી વેપારીઓને ઓર્ડર મળવાના શરૂ થયા છે.ગણેશોત્સવ શરૂ થવા પહેલા જ રાજ્ય બહારની કાપડ મંડળીઓમાંથી પુછપરછ શરૂ થઈ ચૂકી છે. આગામી દુર્ગાપૂજા ના તહેવારને લઈ હમણાંથી બંગાળ,કોલકત્તા અને આસામથી વેપારીઓને ઓર્ડર મળવાના શરૂ થયા છે. જ્યારે નવરાત્રિના પર્વને લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશના વેપારીઓ દ્વારા સુરતના ટેક્સટાઇલ વેપારીઓને ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.જેના કારણે ગ્રાહકીમાં પણ હવે વધારો થયો છે. જ્યારે આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મોટાપ્રમાણમાં ઓર્ડરો સુરતના ટેકસટાઇલ વેપારીઓને મળતા હોય છે. જેમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરેલા અને કર્ણાટક સહિત બિહાર જેવા રાજ્યોમાંથી મબલક પ્રમાણમાં સાડીઓ અને કાપડનો ઓર્ડર દિવાળીમાં સાત દિવસ પહેલા જ મળવાના શરૂ થઈ જાય છે. હાલ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પંદર દિવસ બાદ ગ્રાહકી જામશે અને તેના કારણે સુરતના કપડા બજારને તેનો સીધો ફાયદો થવાનો છે. જ્યાં દિવાળી સુધીમાં કુલ 60 દિવસની અંદર સુરતના કપડા બજારને અંદાજીત 8 હજાર કરોડનો વેપાર મળવાની આશા બંધાઈ છે. જે વેપારીઓ માટે એક મોટા રાહતના સમાચાર છે.

Related Articles

Back to top button