સુરતમાં હીરા વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડ વર્લ્ડ માં આવેલી ઓફિસ ધરાવતા હીરા વેપારી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ દાખલ થઈ છે. પ્રથમ યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદથી વેપારી ફરાર થઈ ગયો છે. અન્ય યુવતીએ ફરિયાદ નોંધાવી છે તેણી સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીના પરિચયમાં આવી હતી. જે બાદમાં લગ્ન ની લાલચ આપીને વેપારીએ તેણી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતીને ગર્ભ પણ રહી ગયો હતો પરંતુ વેપારીએ ગર્ભ પડાવી નાખ્યો હતો. બાદમાં યુવતી સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે ગુનો નોંધીને વેપારી સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસની વિગત જોઈએ તો સુરતના વરાછા ખાતે ડાયમંડ વર્લ્ડમાં હીરાની ઓફિસ ધરાવતા વસંત પટેલ વિરુદ્ધ થોડા દિવસ પહેલા એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ યુવતીને પોતાની ઓફિસ ખાતે નોકરી માટે બોલાવી હતી. અહીં હીરા વેપારીએ યુવતીને ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીનો યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બાદ વેપારી ગુમ થઈ ગયો હતો.