દુમાડ ચોકડી પર મહિલાએ મદદ માંગી કે અમારે મજૂરીએ નથી જવું અને ધડાધડ થયું ફાયરિંગ
વડોદરાની દુમાડ ચોકડી બ્રિજ પાસે સોમવારે સાંજે 6થી 7 રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું હતું. 20થી 25 જેટલા શખ્સોએ ફાયરિંગ સાથે પથ્થરમારો અને લાકડીથઈ હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી જ્યારે અન્ય 4ને ઇજા પહોંચી હતી. હુમલાખોર ઐયુબઅલી પઠાણ હુમલો કર્યા બાદ રિવોલ્વર સાથે સીસીટીવીમાં કેદ થયો છે. જેના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
‘આ લોકો મારા પતિને મારે છે, બચાવો’
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દુમાડ બ્રિજ પાસે સોમવારે બપોરે એક શ્રમજીવી દંપતી ઇકો કારના ફેરા કરતા રાજુ બોળિયા પાસે આવ્યા હતા. દંપતીએ વાપી જવા માટે ભાડું પૂછ્યું હતું. રાજુએ વાપી સુધી નહીં પણ ભરૂચ સુધી જવાનો છું એમ કહ્યું હતું. જે બાદ બંન્ને આગળ ગયા હતા. જ્યાં બે માણસો દંપતીને ટ્રકમાં લઇ જવા જબરદસ્તી કરતા જે દરમિયાન મહિલા દોડતી રિક્ષા ચાલક યુવકો પાસે આવી રડતાં રતા મદદ માગતા કહ્યું હતું કે, આ લોકો મારા પતિને મારે છે. અમારે પાછા મજૂરીએ જવું નથી અમને બચાવો. ત્યારબાદ યુવકોએ દંપતીને છોડવાનું કહેતા કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.