गुजरात

સુરતમાં તંત્રની ખુલી પોલ! મનપા કર્મચારીના પુત્રને કોરોના થયા બાદ પણ ક્વૉરન્ટાઇન માટે રજા ન અપાઇ

કોરોના મહામારી વચ્ચે સતત તંત્રની લાલિયાવાળી સામે આવી રહી છે કોરોના સામે જંગ લડી રહેલા સુરત મ્યુનિ.કર્મચારીઓ એક પછી એક સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. રવિવારે વધુ એક કર્મચારીનો જીવ કોરોનાના કારણે ગયો હતો. કર્મચારીના સગા કે સાથીઓને કોરોના થયા બાદ ક્વૉન્ટાઇન માટે રજા અપાતી નહીં હોવાના આક્ષેપ સાથે કર્મચારી મંડળ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સતત સંક્ર્મણ વધી રહ્યુ છે ત્યારે સુરતની મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતાં પ્રકાશ ખેરને કોરોના પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવારે તેમનું મોત થતાં મહાનગરપાલિકાનો સાતમો કર્મચારી કોરોનાના ખપ્પરમાં હોમાયો છે. જ્યારે 150થી વધુ કર્મચારી કોરોનામાં સપડાયા છે. મહાનગરપાલિકાના કર્મચારી કે તેમના સગાંને કોરોના થાય તો કર્મચારીને ક્વૉન્ટાઇન કરવાના બદલે ફરજ પર ચાલુ રાખવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર કર્મચારીઓની કાળજી લેવામાં નિષ્ફળ સાબિત થયું હોવાનો આક્ષેપ કર્મચારી મંડળના યુનિયને કર્યો છે.

હાલમાં જ વેક્સીન વિભાગમાં ફરજ બજાવતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના પુત્રને કોરોના થતાં તેમણે ક્વૉરન્ટાઇન થવા માટે રજા માંગી હતી પણ આપવામાં આવી ન હતી. અને હવે તેઓ પણ પોઝિટિવ આવ્યા છે. આમ રજા ન આપવાના કારણે ચેપ અનેક લોકોમાં ફેલાયો છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં 6થી વધુ કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં પણ આકારણી અને ગુમાસ્તા વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે, તેઓ ભેગા થતાં હોવાથી સંક્રમણ વધુ પ્રસરે તેવી ભીતિ છે.

Related Articles

Back to top button