दुनिया

કોઈને ઈન્જેક્શન માર્યા, કોઇના પર દુષ્કર્મ તો ક્યાંક ચપ્પાબાજી…ફ્રાન્સના મ્યુઝિક ફેસ્ટિવલમાં હોબાળો | France Music Festival Horror 243 Arrested Amid Needle Attacks Stabbings and Riots



France Music Festival: ફ્રાન્સમાં દર વર્ષે યોજાતો પ્રખ્યાત ‘Fête de la Musique’ (વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ) આ વર્ષે સંગીતના સૂર અને ઉજવણીના બદલે હિંસા, યૌન અપરાધો અને અંધાધૂંધીના કારણે ચર્ચામાં આવ્યો છે. લાખો લોકોની હાજરીવાળા આ રાષ્ટ્રીય ઉત્સવ દરમિયાન મહિલાઓ પર સિરીંજ (ઈન્જેક્શન)થી હુમલા, દુષ્કર્મ, ચપ્પાબાજી અને રસ્તાઓ પર હિંસક અથડામણ જેવી ઘણી ગંભીર ઘટનાઓ સામે આવી છે.

ભીડમાં મહિલાઓ પર રહસ્યમય સિરીંજથી હુમલા

મીડિયા અહેવાલો અનુસાર, પેરિસ સહિત દેશના ઘણા શહેરોમાં મહિલાઓએ ભીડભાડ દરમિયાન તેમને સિરીંજ (સોય) ભોંકવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ હુમલા બાદ કેટલીક પીડિત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પેરિસના બુલેવાર્ડ ડે લા મેડેલીન વિસ્તારમાં એક મહિલા પર સિરીંજથી હુમલો થયા બાદ તે બેભાન થઈ ગઈ હતી, જેને ઈમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ તપાસ એજન્સીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ સિરીંજમાં કોઈ નશીલો કે જોખમી પદાર્થ હતો કે નહીં.

યૌન ઉત્પીડન અને બળાત્કારની ફરિયાદો

ફેસ્ટિવલ દરમિયાન યૌન હિંસાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં દુષ્કર્મ અને યૌન શોષણને લગતી ફરિયાદો નોંધાવવામાં આવી છે. જોકે, સત્તાધારી અધિકારીઓએ હજુ સુધી તમામ કેસોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ તપાસ તેજીથી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભોગ બનનારાઓમાં સગીરો પણ સામેલ હોઈ શકે છે.

રસ્તાઓ પર ચપ્પાબાજી અને અફરાતફરીનો માહોલ

આ મ્યુઝિક ફેસ્ટિવલમાં હિંસા માત્ર યૌન અપરાધો પૂરતી સીમિત નહોતી રહી. પેરિસના ઘણા વિસ્તારોમાં ચપ્પાબાજી, મારામારી અને જૂથ અથડામણના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના વ્યસ્ત એવા શાતલે (Châtelet) વિસ્તારમાં અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાંકડા રસ્તાઓ પર ભારે ભીડ વચ્ચે અચાનક ફાટી નીકળેલી હિંસાને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બ્રિટનથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે, સ્થિતિ એટલી ખતરનાક હતી કે અલગ-અલગ જગ્યાએ લડાઈઓ થઈ રહી હતી અને લોકોને બચવા માટે બહાર નીકળવાનો રસ્તો પણ નહોતો મળતો.

આ પણ વાંચો: ટ્રમ્પને ડબલ ઝટકો : લોકપ્રિયતા ગગડી, લોકો નારાજ અને સંસદમાં ઈરાન મુદ્દે નૈતિક હાર

પોલીસ એક્શન: 243 લોકોની ધરપકડ

ફ્રાન્સના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દેશભરમાંથી આશરે 243 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ધરપકડ પેરિસમાંથી થઈ છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે હજારો પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડની ટીમો, સર્વેલન્સ ડ્રોન અને હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા હતા.

જોકે, સરકારે સુરક્ષાના પુરતા પ્રબંધ હોવાનો બચાવ કર્યો છે, પરંતુ વિપક્ષ અને સામાજિક સંગઠનોએ આટલી મોટી ભીડ વચ્ચે સુરક્ષામાં થયેલી ચૂક પર સવાલો ઉઠાવ્યા છે. હાલ તમામ ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.



Source link

Related Articles

Back to top button