એવો ભૂકંપ કે આખો દેશ એક બાજુ ખસકી ગયો, 6 કિ.મી. દૂર પહોંચ્યો, વિજ્ઞાનીઓનો ધડાકો | Science Secret How the 2011 Mega Earthquake Shifted Entire Japan Eastward

![]()
Japan 2011 earthquake shift: સામાન્ય રીતે વિનાશ વેરતો ભૂકંપ એક એવી અદ્ભુત ઘટનાનું કારણ બન્યો છે, જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. વર્ષ 2011માં જાપાનમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પર થયેલા નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ભૂકંપના આંચકા આવ્યા પછી આખું જાપાન એક ચોક્કસ દિશામાં આગળ ખસી ગયું હતું. આખરે આવું કેમ થયું, તે રહસ્ય પર વૈજ્ઞાનિકોએ હવે ખુલાસો કર્યો છે.
2011ના વિનાશક ભૂકંપ બાદ પૂર્વ તરફ ખસ્યો આખો દેશ
લગભગ 15 વર્ષ પહેલાં જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપને લઈને વૈજ્ઞાનિકોએ નવો ખુલાસો કર્યો છે. વર્ષ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપના આશરે 16 મિનિટ પછી જાપાનમાં લાગેલા જીપીએસ સ્ટેશનોએ નોંધ્યું કે આખો દેશ પૂર્વ દિશા તરફ 5થી 6 મિલીમીટર આગળ ખસી ગયો છે. આ પ્રક્રિયા પૂરા દેશમાં એકસાથે થઈ હતી, જે ભૂકંપ પછી આવતા સામાન્ય આફ્ટરશોક્સ (આંચકા) જેવી બિલકુલ નહોતી.
સેટેલાઇટ ડેટાથી રહસ્યનો ઉકેલ
શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ સેટેલાઇટ નેટવર્ક દ્વારા ડેટા એકત્રિત કરીને આ રહસ્યનો ઉકેલ શોધ્યો છે. ભૂકંપના કારણે ફોલ્ટ લાઇન (જમીનની તિરાડ) પાસે રહેલા ખડકોના મોટા બ્લોક્સ અચાનક એકબીજાની સામે સરકી ગયા હતા. આનાથી જે શક્તિશાળી ભૂકંપીય મોજાં પેદા થયા, તે પૃથ્વીની ઊંડાઈમાં સીધા તેના કેન્દ્ર એટલે કે કોર સુધી પહોંચ્યા હતા. આ તરંગો પૃથ્વીના કોર સાથે ભટકાઈને પાછા સપાટી તરફ આવ્યા હતા.
ટેક્ટોનિક પ્લેટો ફરી સક્રિય થતાં સર્જાઈ હલચલ
પૃથ્વીના કેન્દ્રમાંથી પાછા ફરેલા આ શક્તિશાળી તરંગોએ જાપાનની નીચે આવેલી ટેક્ટોનિક પ્લેટોની સરહદોને ફરીથી સક્રિય (રિ-એક્ટિવેટ) કરી દીધી હતી. આના કારણે જમીનની અંદર વધારાની હલચલ પેદા થઈ અને આખો દેશ પૂર્વ તરફ સરકી ગયો. આ અદ્ભુત ઘટનાને પકડવા માટે જાપાનનું ‘જિયો નેટ’ (GeoNet) નામનું વિશાળ નેટવર્ક કામ લાગ્યું હતું, જેમાં 1,200થી વધુ જીપીએસ સ્ટેશનો આવેલા છે.
ભવિષ્યમાં ભૂકંપના જોખમો ઓળખવામાં મદદ મળશે
ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે આ ઘટના એક મોટું રહસ્ય બનેલી હતી, કારણ કે તે સમયે આસપાસ કોઈ બીજો મોટો ભૂકંપ આવ્યો ન હતો. આ નવા સંશોધનથી હવે એ સાબિત થયું છે કે પૃથ્વીના કેન્દ્ર સાથે અથડાઈને પાછા ફરતા મોજાં મુખ્ય ભૂકંપના ક્ષેત્રને ફરી બેઠા કરી શકે છે. આ નવી શોધથી ભવિષ્યમાં દુનિયાના સંવેદનશીલ વિસ્તારોમાં ભૂકંપના જોખમોનું સાચું આકલન કરવામાં મોટી મદદ મળશે.



