दुनिया

અમેરિકા-ઈરાન વચ્ચે રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ, બંને દેશો 60 દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત | US Iran Nuclear Talks: Roadmap Agreed for Final Deal in 60 Days Despite Trump’s Threat


US-Iran Nuclear Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ન્યૂક્લિયર મંત્રણાની શરૂઆત ભલે ખરાબ રહી હોય, પરંતુ મોડી રાત સુધી ચાલેલી લાંબી ચર્ચાઓના અંતે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. મંત્રણામાં મધ્યસ્થતા કરી રહેલા કતર અને પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, અમેરિકા અને ઈરાન આગામી 60 દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટેના રોડમેપ પર સહમત થઈ ગયા છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ટાળવા માટે અન્ય બે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

તણાવ ઘટાડવા માટે લેવાયા 3 મોટા નિર્ણયો

રાતભર ચાલેલી આ બેઠક બાદ જે ત્રણ મુખ્ય સારા સમાચાર સામે આવ્યા છે તે નીચે મુજબ છે:

60 દિવસનો રોડમેપ: બંને દેશો આગામી બે મહિનામાં કાયમી કરાર કરવા માટે રાજી થયા છે. હાલ પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને હવે બંને દેશોની ટેકનિકલ ટીમો આખું અઠવાડિયું સ્વિટ્ઝર્લેન્ડમાં રહીને આગળની વિગતો નક્કી કરશે.

કમ્યુનિકેશન લાઈન: હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં બંને દેશોની નૌસેનાઓ વચ્ચે કોઈ અકસ્માત કે સીધો સંઘર્ષ ન થાય તે માટે એક વિશેષ ‘હોટલાઈન’ અથવા કમ્યુનિકેશન લાઈન સ્થાપિત કરવામાં આવશે.

ડી-કોન્ફ્લિક્શન સેલ: લેબનાનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી અને હિંસાને તાત્કાલિક રોકવા માટે અમેરિકા અને ઈરાન સંયુક્ત રીતે ‘ડી-કોન્ફ્લિક્શન સેલ’ ની રચના કરશે.

વિદેશમંત્રી અરાઘચીની મહત્ત્વની જાહેરાત 

આ સાથે ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાને કારણે ઇરાન પરથી ઓઈલ નિકાસનો પ્રતિબંધ હટી ગયો છે, અમેરિકાએ નેવી બ્લૉકેડ દૂર કર્યું છે અને અમારી જપ્ત કરાયેલી અમુક મિલકતો પણ રિલીઝ થઇ ચૂકી છે.

અમેરિકા-ઈરાન વચ્ચે રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ, બંને દેશો 60 દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત 2 - image

ટ્રમ્પની ધમકી અને ઈરાનનો વોકઆઉટ ડ્રામા

આ મહત્વપૂર્ણ બેઠક રવિવારે શરૂ થઈ હતી પરંતુ શરૂઆતમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન લેબનાનમાં તેના પ્રોક્સી ગ્રૂપો (હિઝબુલ્લાહ) દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાન પર સીધો લશ્કરી હુમલો કરી શકે છે.

ટ્રમ્પની આ ધમકીથી નારાજ થઈને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકર ગાલિબાફે વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ટ્રમ્પે પોતાના નિવેદનોમાં સાવચેતી રાખવી જોઈએ. અમારી સશસ્ત્ર સેનાઓ અલગ રીતે જવાબ આપવા સક્ષમ છે.” આ વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળ કતરના અધિકારીઓને મળીને બેઠક છોડીને બહાર નીકળી ગયું હતું, જેથી એક સમયે મંત્રણા તૂટી ગઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની રાજદ્વારી ટીમ આખી રાત સતત બેઠકોમાં વ્યસ્ત રહી હતી અને ઈરાનને ફરી ટેબલ પર લાવવામાં સફળતા મેળવી હતી.

પરમાણુ હથિયાર નહીં બનાવીએ: ઈરાન

ઈરાની સરકારી ટીવી ચેનલના અહેવાલ મુજબ, રવિવારે યોજાયેલી પ્રથમ 80 મિનિટની વાતચીતમાં પરમાણુ કાર્યક્રમ પર સીધી ચર્ચા નહોતી થઈ, પરંતુ અગાઉ થયેલા સમજૂતી જ્ઞાપન (MoU) ને લાગુ કરવા અને લેબનાનની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સ્પષ્ટ કર્યું છે કે તેહરાન યુરેનિયમ સંવર્ધન (Enrichment) નો પોતાનો અધિકાર નહીં છોડે, પરંતુ તેમણે ફરી દોહરાવ્યું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા નથી માંગતું અને તેઓ આ અંગે લેખિત ગેરંટી આપવા પણ તૈયાર છે. બીજી તરફ, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલી સૈનિકો જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી દક્ષિણ લેબનાનમાં રહેશે અને તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા નહીં દે.



Source link

Related Articles

Back to top button