50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ : ‘યોગગુરુ’ મોદી | Yoga is best for the youth of 30 at 50: ‘Yoga Guru’ Modi

![]()
– 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કોલકાતામાં ભવ્ય ઊજવણી
– યોગ રાષ્ટ્રીય-સાંસ્કૃતિક સરહદોથી પાર એક વૈશ્વિક આંદોલન બન્યું, શારીરિક-માનસિક સંતુલન માટે યોગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઃ વડાપ્રધાન
– ટોકિયોના ઐતિહાસિક સુકિજિ હોન્જન જિ મંદિરથી ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી સમગ્ર વિશ્વ યોગમય બન્યું
– કોલકાતાના રેડ રોડ પર હજારો લોકોએ વડાપ્રધાન મોદી સાથે યોગાસન કર્યા
– ભારતના યોગ હવે વૈશ્વિક ઓળખ : સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મોટા જાહેર કાર્યક્રમોમાં ભારતના ભવિષ્ય અંગે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરતા એક તરફ યોગના માધ્યમથી આંતરિક સંતુલન અને સામૂહિક કલ્યાણ પર તેમજ બીજીબાજુ રાષ્ટ્રીય આત્મનિર્ભરતા અને સમુદ્રી સામર્થ્ય પર ભાર મૂક્યો હતો. ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ની થીમ પર આયોજિત ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ ૫૦ વર્ષની વયે પણ વ્યક્તિમાં ૩૦ વર્ષ જેટલી ઊર્જા હોવા પર ભાર મૂક્યો હતો અને આ માટે યોગ્ય અભ્યાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
કોલકાતામાં રેડ રોડ પર યોગ દિવસની ઊજવણીમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણે હેલ્ધી એજિંગ એટલે કે ઉંમર વધવા સાથે સ્વસ્થ રહેવા માટે યોગની વાત કરીએ છીએ. તેનો અર્થ એ છે કે વય વધવાની સાથે માણસની ક્ષમતા ઓછી ના થવી જોઈએ. યોગ માણસને સતત આગળ વધવા અને વિકાસ કરવામાં મદદ કરી શકે છે. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે ૫૦ વર્ષની વયે પણ આપણે ૩૦ વર્ષના યુવાનથી વધુ ઊર્જાવાન હોઈએ. આ કારણથી જ આ વર્ષની ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ની થીમ માત્ર વૃદ્ધો માટે નહીં પરંતુ બધી વયના લોકો માટે હોવી જોઈએ.
દુનિયાભરમાં ચાલતા અનેક સંઘર્ષો અને ભૂ-રાજકીય તણાવો વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, ભારતની આ પ્રાચીન પદ્ધતિ માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધી મર્યાદિત નથી. યોગ માનસિક સ્વાસ્થ્યનો પણ માર્ગ બતાવે છે. ભગવદ ગીતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કામ, ભોજન અને ઊંઘમાં સંતુલન દુખોને દૂર કરી શકે છે. આ સંતુલન જીવનની જેમ યોગનો પણ મૂળ આધાર છે.
તેમણે કહ્યું, આધુનિક જીવનશૈલીમાં મોટાભાગના લોકો આ સંતુલનને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યોગ આપણને સંતુલિત રીતે જીવન જીવવાની કળા શિખવે છે. તેમણે કહ્યું, આપણે સંકલ્પ લઈએ કે યોગને માત્ર કોઈ એક દિવસ અથવા આયોજન સુધી મર્યાદિત નહીં રાખીએ પરંતુ તેને પોતાના જીવન, પરિવાર અને ભાવી પેઢીઓના જીવનનો ભાગ બનાવીશું. આજના સમયમાં યોગ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સરહદોથી પાર એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. દુનિયાના ભવિષ્યને વધુ સારુ બનાવવા માટે પણ યોગ જરૂરી છે.
તેમણે કહ્યું કે, પૃથ્વી પર વર્ષનો સૌથી લાંબો દિવસ ૨૧ જૂન હવે યોગના કારણે સૌથી મોટો સામુદાયિક ઉત્સવનો દિવસ બની ગયો છે. યોગ લોકોને જોડે છે. આ પ્રસંગે હું વિશ્વના લોકોને અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ રવીન્દ્રનાથ ટાગોર અને મહર્ષિ અરવિંદના વિચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે માનાવ જીવનની સાર્થક્તા સમાજ, દુનિયા અને સ્વયં સાથે જોડાવામાં છે. કોલકાતાના રેડ રોડ પર યોજાયેલા ૪૦ મિનિટના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ યોગ કરવાની સાથે ભાગ લેનારા અન્ય નાગરિકો વચ્ચે ફરીને તેમના દ્વારા કરાતા આસનોને નજીકથી જોયા હતા અને કેટલાક લોકોની યોગ મુદ્રાઓ સુધારવામાં વડાપ્રધાન મોદીએ મદદ પણ કરી હતી. રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ જોડાયા હતા.



