હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલીના પ્લાન પર સાઉદી મેદાને, પ્રિન્સ ફૈસલે ઈરાનને ચેતવ્યું | Saudi Arabia Warns Iran Over Hormuz Strait Toll Plan Amid US Peace Agreement

![]()
Saudi Arabia On US-Iran Peace Agreement : ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા સમજૂતી કરારમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે લેવાયેલા નિર્ણયથી સાઉદી અરેબિયા નારાજ છે. કરાર મુજબ 60 દિવસ પછી ઈરાની અધિકારીઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી વસૂલશે. સાઉદી સરકારે આ જોગવાઈનો વિરોધ કરતાં જહાજોની અવરજવર ફ્રી રાખવાની માંગ કરી છે.
જૂની વ્યવસ્થા જાળવી રાખવા સાઉદીની માંગ
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાને (Saudi Arabia Foreign Minister Prince Faisal bin Farhan) જણાવ્યું છે કે, 28 ફેબ્રુઆરીના હુમલા પહેલા હોર્મુઝનું સંચાલન વ્યવસ્થિત ચાલતું હતું. તેમણે કહ્યું કે, યુદ્ધ પહેલા સુરક્ષા કે પર્યાવરણને લગતી કોઈ સમસ્યા ન હતી અને કોઈ ટોલ પણ લેવાતો ન હતો. સંઘર્ષના બહાને કોઈ નવી ટોલ સિસ્ટમ થોપવી જોઈએ નહીં અને જૂની વ્યવસ્થા જ ફરી લાગુ થવી જોઈએ.
ઈરાને 14 મુદ્દાઓનો દસ્તાવેજ જાહેર કર્યો
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયા(Iran President Masoud Pezeshkian)ને ગુરુવારે અમેરિકા સાથે થયેલા શાંતિ કરારનો દસ્તાવેજ જાહેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા 14 મુદ્દાઓના આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટની જોગવાઈ સૌથી મહત્ત્વની છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જળમાર્ગ તેના નિયંત્રણમાં છે અને યુરોપિયન નૌકા મિશનની કોઈપણ યોજના સ્વીકારવામાં આવશે નહીં.
બે મહિના પછી લાગુ થશે નવું માળખું
ઈરાનના જણાવ્યા અનુસાર કરાર પર હસ્તાક્ષર થયાના 60 દિવસ સુધી કોમર્શિયલ જહાજોને વિનામૂલ્યે અને સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે. ત્યારબાદ સર્વિસ ચાર્જ વસૂલવા માટે એક નવું માળખું સૂચવવામાં આવ્યું છે, જેનું સંચાલન ઓમાન અને ઈરાન સંયુક્ત રીતે કરશે.
આ પણ વાંચો : યુકેના રાજકારણમાં ઉલટફેર: ‘કિંગ ઑફ ધ નોર્થ’ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!



