અમેરિકન સાંસદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- ભારતમાં મુસ્લિમોનો નરસંહાર થઇ રહ્યો છે… | US Rep Ilhan Omar Targets India at IAMC Event Claims Minorities Facing Persecution

![]()
Ilhan Omar on India : અમેરિકામાં મુસ્લિમ સમુદાયના મુદ્દા પર આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. કોઈ પણ સત્તાવાર આંકડા કે પુખ્ત તથ્યો વિના તેમણે ભારત પર લઘુમતીઓના નરસંહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઇલ્હાન ઉમરે દાવો કર્યો છે કે ભારત નરસંહારના ‘આઠમા તબક્કા’માં પહોંચી ગયું છે અને ત્યાં આ બધું હવે સામાન્ય બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇલ્હાન ઉમર અગાઉ પણ આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.
ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના કાર્યક્રમમાં ઝેર ઓક્યું
મીડિયા અહેવાલો અનુસાર, ગત 7 જૂનના રોજ ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ (IAMC) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો હવે સામે આવ્યા છે. આ કાર્યક્રમમાં અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ઇલ્હાન ઉમરે પીએમ મોદીનું નામ લેતા જણાવ્યું કે, ભારતમાંથી આવી રહેલા અહેવાલો મુજબ તે નરસંહારના આઠમા તબક્કામાં છે. આપણા માટે આ અંગે એલર્ટ રહેવું જરૂરી છે કારણ કે આ માત્ર મોદી પ્રશાસન પૂરતું સીમિત નથી, પરંતુ હવે તે વ્યવસ્થિત રીતે સમાજનો એક ભાગ બની રહ્યું છે.
શું છે નરસંહારના ‘આઠમા તબક્કા’નો અર્થ?
પોતાના ભાષણમાં ઇલ્હાન ઉમરે ‘જીનોસાઇડ વોચ’ નામની સંસ્થાના સ્થાપક ગ્રેગરી એચ. સ્ટેન્ટનની એક થિયરીનો ઉલ્લેખ કર્યો હતો. આ થિયરી મુજબ નરસંહારના કુલ 10 તબક્કા હોય છે, જેમાં આઠમો તબક્કો ‘ઉત્પીડન’ (પરેશાન કરવા)નો માનવામાં આવે છે. આ તબક્કામાં કોઈ લઘુમતી જૂથને મોટા પાયે નિશાન બનાવી તેમના અધિકારો છીનવી લેવામાં આવે છે અને તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાના પ્રયાસો થાય છે.
પાકિસ્તાન પ્રેમ અને સોમાલિયા કનેક્શન
મૂળ સોમાલિયાના રહેવાસી અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયેલા ઇલ્હાન ઉમર અવારનવાર પાકિસ્તાન તરફી વલણ અપનાવવા માટે ચર્ચામાં રહે છે. તેઓ કાશ્મીર મુદ્દે પણ ભારત વિરોધી નિવેદનો આપતા આવ્યા છે. જોકે, રસપ્રદ વાત એ છે કે એકતરફ તેઓ ભારતમાં લઘુમતીઓની ચિંતા કરે છે, તો બીજી તરફ અમેરિકામાં ખુદ સોમાલી મૂળના લોકો ભેદભાવનો સામનો કરી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો સોમાલી સમુદાય પર આકરા પ્રહારો કરતા આવ્યા છે, એટલું જ નહીં ટ્રમ્પે ઇલ્હાન ઉમર પર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક ડીલ: 60 દિવસ હોર્મુઝ ટોલ-ફ્રી, વાંચો MoU ના 14 મોટા મુદ્દા
ભારતે અગાઉ આપ્યો છે આકરો જવાબ
ભારત સરકાર આવા પાયાવિહોણા આરોપો પર હંમેશા કડક પ્રતિક્રિયા આપતી આવી છે. તાજેતરમાં મે મહિનામાં પીએમ મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન જ્યારે એક પત્રકારે ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યો, ત્યારે વિદેશ મંત્રાલયના સચિવ સિબી જોર્જે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આઝાદી સમયે ભારતમાં લઘુમતીઓની વસ્તી 11% હતી, જે આજે વધીને 20%થી વધુ થઈ ગઈ છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં લઘુમતીઓની વસ્તી આ રીતે વધી હોય.
શું છે આ IAMC સંસ્થા?
જે સંસ્થાના કાર્યક્રમમાં ઇલ્હાન ઉમરે આ નિવેદન આપ્યું છે, તે IAMC (ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ) અમેરિકામાં નોંધાયેલી એક બિન-લાભકારી સંસ્થા છે. આ સંગઠન લાંબા સમયથી અમેરિકા પાસે માંગ કરી રહ્યું છે કે ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવામાં આવે. આ સિવાય તે RSS તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા જેવા ભારતીય નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની પેરવી કરતું રહે છે.



