G7 સમિટનું ‘હોટ માઇક’ લીક, જાણો બંધ દરવાજા પાછળ ટ્રમ્પ, મેક્રોન અને મેલોની શું વાતો કરતા હતા | g7 summit hot mic leak trump macron meloni private conversations

![]()
Behind the Protocol, Unfiltered Power: વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના વડા એક મંચ પર ભેગા થાય ત્યારે સુરક્ષા એટલી કડક હોય છે કે ત્યાં ચકલી પણ ફરકી ન શકે. ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ(Evian-les-Bains)માં યોજાયેલી હાઇ-પ્રોફાઇલ G7 સમિટમાં પણ આવો જ માહોલ હતો. મધ્ય-પૂર્વની કટોકટી, યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સુરક્ષા જેવા ગંભીર મુદ્દા પર બંધ દરવાજા પાછળ મંથન ચાલી રહ્યું હતું. પરંતુ આ કડક સુરક્ષા વચ્ચે કંઈક એવું અણધાર્યું બન્યું જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. એક ભૂલથી ચાલુ રહી ગયેલા માઇક્રોફોન એટલે કે ‘હોટ માઇક'(Hot Mic)એ નેતાઓની ખાનગી અને અનૌપચારિક પળોને રૅકોર્ડ કરી લીધી. આ રાજકીય ગુપ્ત વાતચીત લીક થઈ જતાં દુનિયા સામે એવા રહસ્યો સામે આવ્યા છે, જેમાં માત્ર ગંભીર રાજનીતિ જ નહીં પરંતુ ફૂટબોલ, સ્મોકિંગની આદતો અને વ્હાઇટ હાઉસની કેજ-ફાઇટ પણ સામેલ છે.
મેક્રોનની ગુપ્ત કબૂલાત: ‘ટ્રમ્પ સાથેની મુલાકાત અત્યંત મુશ્કેલ હતી’
આ લીક ઓડિયો ક્લિપનો સૌથી સનસનાટીભર્યો ભાગ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચેની વાતચીત છે. મેક્રોન એકદમ ધીમા અવાજે ઝેલેન્સ્કીને કહી રહ્યા હતા કે, ‘ગઈકાલે સાંજે યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથેની મારી મુલાકાત ‘અત્યંત મુશ્કેલ’ રહી હતી.’
આ ટિપ્પણી દર્શાવે છે કે ટૅરિફ, ઈરાન વિવાદ અને વેપાર નીતિઓ અંગે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો વચ્ચે અંદરખાને કેટલો તણાવ છે. આ સસ્પેન્સ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે ઝેલેન્સ્કીને પૂછ્યું કે, ‘શું તમારી ટ્રમ્પ સાથે કોઈ પર્સનલ મીટિંગ નક્કી થઈ છે?’ તેના જવાબમાં ઝેલેન્સ્કીએ ‘ના’ પાડી, તો મેક્રોને આશ્વાસન આપતાં કહ્યું, ‘ઠીક છે, હું મીટિંગ ગોઠવી આપીશ.’
મેલોનીની સિગારેટ પીવાની આદત છૂટી ગઈ?
જિયોપોલિટિકલ તણાવની વચ્ચે સમિટમાં કેટલીક હળવાશભરી ક્ષણો પણ કેદ થઈ હતી. મંગળવારે લંચ દરમિયાન જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે મજાકમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પૂછ્યું કે, ‘શું તમે આજે સવારે સ્મોકિંગ કર્યું?’ ત્યારે મેલોનીએ ગર્વથી હાથ ઊંચો કરીને હસતાં-હસતાં કહ્યું કે, ‘મેં 1 મેથી સિગારેટને હાથ પણ લગાવ્યો નથી.’
આ સાંભળીને કેનેડા, યુકે અને જાપાનના નેતાઓએ તેમને અભિનંદન આપ્યા, જ્યારે કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્નેએ મજાકિયા અંદાજમાં પૂછ્યું, ‘સિગારેટ નથી પીધી, તો શું તમે નિકોટિન પેચ વાપરી રહ્યા છો?’
બ્રિટિશ વડાપ્રધાનનો ફૂટબોલ પ્રેમ સામે આવ્યો
આ નેતાઓ વચ્ચે લંચ દરમિયાન ફિફા વર્લ્ડ કપ 2026 ની પણ ચર્ચા થઈ હતી. બ્રિટિશ વડાપ્રધાન સર કીર સ્ટાર્મરે ‘કેપ વર્ડે’ (Cape Verde) નામની નાની ટીમે ફૂટબોલના જાયન્ટ ગણાતા સ્પેનને 0-0 થી ડ્રો પર રોકીને જે મોટો ઉલટફેર કર્યો તેના જોરદાર વખાણ કર્યા હતા. સ્ટાર્મરે પ્રભાવિત થઈને કહ્યું, ‘આ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી હતું.’
ગ્રીનલૅન્ડ પર ટ્રમ્પનો રહસ્યમય સવાલ અને UFCની વાતો
આ હોટ-માઇક લીકમાં સૌથી ચોંકાવનારી અને રહસ્યમય ક્ષણ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વચ્ચેની વાતચીત હતી. ટ્રમ્પે એકદમ ગંભીર અવાજમાં કોસ્ટાને પૂછ્યું હતું, ‘શું તમે સમજો છો?’ અને પછી થોડી ક્ષણ અટકીને માત્ર એક જ શબ્દ બોલ્યા – ‘ગ્રીનલૅન્ડ.’ આ વાતચીતની આગળ-પાછળની વિગતો રૅકોર્ડ ન થવાને કારણે ટ્રમ્પ કયા સંદર્ભમાં વાત કરી રહ્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ભૂતકાળમાં ડેનમાર્ક સહિતના દેશો ગ્રીનલૅન્ડ ખરીદવાની ટ્રમ્પની ઇચ્છાની આકરી ટીકા કરી ચૂક્યા છે. ગ્રીનલૅન્ડની આ ગંભીર ચર્ચા પછી ટ્રમ્પે તરત જ વાતનો ટોન બદલી નાખ્યો અને રવિવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ(UFC) અને રિંગની બાજુમાં બેસીને ફાઇટ જોવાનો પોતાનો રોમાંચક અનુભવ શેર કરવા લાગ્યા હતા.
સાયકલ, જર્સી નંબર 47 અને વિશેષ રાજદ્વારી સંદેશ
આ વૈશ્વિક સમિટમાં ભેટ-સોગાદોની આપ-લે પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સૌથી રસપ્રદ ભેટ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ તરફથી આવી હતી. તેમણે ટ્રમ્પને જર્મન નેશનલ ફૂટબોલ ટીમની એક જર્સી ભેટ આપી, જેના પર ટ્રમ્પનું નામ અને તેમનો યુએસ પ્રમુખપદનો નંબર 47 લખેલો હતો. ટ્રમ્પે ખુશ થઈને આ જર્સી કેમેરા સામે ફ્લોન્ટ કરી હતી. બાદમાં મેર્ઝે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને એક મોટો રાજદ્વારી સંદેશ આપતાં લખ્યું: ‘છેવટે, આપણે બધા એક જ ટીમમાં છીએ.’
ફ્રાન્સના પ્રમુખે મેક્રોને આવતા વર્ષે યોજાનારી સાયકલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રમોશન માટે તમામ નેતાઓને ખાસ ડિઝાઇનર સાયકલ ગિફ્ટ કરી હતી. જોકે, કસરતથી દૂર રહેતા અને ગોલ્ફના શોખીન ટ્રમ્પના ચહેરાના હાવભાવ અને માઇક પરની પ્રતિક્રિયા જોવા જેવી હતી.



