અમેરિકાનો ભારતને મોટો ઝટકો, પેસિફિક કમાન્ડના નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવ્યો, ભારતનો ખોટો નક્શો મૂક્યો | US Drops Indo From Pacific Command Reverts To Old Name Shows Wrong Map Of India

![]()
US Drops Indo From Pacific Command : અમેરિકાએ એક મોટું પગલું ભરતાં પોતાની ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ'(USINDOPACOM)નું નામ બદલીને ફરીથી ‘યુએસ પેસિફિક કમાન્ડ’ (USPACOM) કરી દીધું છે. વર્ષ 2018ના નિર્ણયને પલટાવતા અમેરિકન સંરક્ષણ વિભાગે આ કમાન્ડના મૂળ નામને પુનઃસ્થાપિત કર્યું છે. આ ફેરફાર સાથે જ અમેરિકન સૈન્ય કમાન્ડ પોતાના એ ઐતિહાસિક નામ પર પરત ફરી છે, જે અંતર્ગત તેણે સાત દાયકા કરતાં પણ વધુ સમય સુધી કામ કર્યું હતું. જો કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘આ કમાન્ડનો ભૌગોલિક દાયરો અને જવાબદારીઓ પહેલાની જેમ જ ભારતની પશ્ચિમ સરહદ સુધી યથાવત્ રહેશે.’
જૂના નામ પર પરત ફરવાનું કારણ શું છે?
અમેરિકન સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, મૂળ નામ (USPACOM) પાછું લાવવાનો હેતુ, આ કમાન્ડની ઐતિહાસિક ઓળખ અને તેની સંસ્થાગત વિરાસતને સન્માન આપવાનો છે. આ સૈન્ય કમાન્ડની સ્થાપના 1 જાન્યુઆરી 1947ના રોજ તત્કાલીન અમેરિકન પ્રમુખ હેરિ એસ. ટ્રુમેન દ્વારા કરવામાં આવી હતી, અને તે અમેરિકાની સૌથી જૂની અને સૌથી મોટી સૈન્ય કમાન્ડ છે. અધિકારીઓનું કહેવું છે કે, ‘નામ બદલાવાથી તેના મિશન, ઓપરેશનલ રોલ કે સાથી દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર કોઈ અસર નહીં પડે.’
ભારતનો ખોટો નકશો કેમ બતાવી રહ્યું છે અમેરિકા?
આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે, આ કમાન્ડની સત્તાવાર વેબસાઇટ પર ‘એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી મેપ’ (Area of Responsibility Map) સેક્શનમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો. આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા આવા નકશા બતાવવા પાછળ મુખ્યત્વે તેમની ‘ડી-ફેક્ટો કંટ્રોલ’ (De-facto Control) એટલે કે વાસ્તવિક સૈન્ય નિયંત્રણની નીતિ જવાબદાર હોય છે. અમેરિકન સૈન્ય નકશાઓ ઘણીવાર રાજકીય દાવાઓને બદલે, જે તે વિસ્તાર પર કઈ સેનાનો વાસ્તવિક કબજો છે, (જેમ કે અત્યારે PoK પર પાકિસ્તાનનું નિયંત્રણ છે) તેને આધારે કમાન્ડ વિસ્તારો નક્કી કરે છે. જો કે, ભારત આ પ્રકારના નકશાઓનો હંમેશા સખત વિરોધ કરતું આવ્યું છે, કારણ કે સમગ્ર કાશ્મીર કાનૂની અને બંધારણીય રીતે ભારતનો અભિન્ન ભાગ છે.
યુએસ પેસિફિક કમાન્ડ (USPACOM) સાથે જોડાયેલી મહત્વની બાબતો
અમેરિકા દ્વારા પોતાની સૌથી મોટી સૈન્ય કમાન્ડના નામમાં કરવામાં આવેલા ફેરફાર અને તેની પાછળના મુખ્ય તથ્યો નીચે મુજબ છે:
1. કમાન્ડનો ભવ્ય ઇતિહાસ અને સૈન્ય તાકાત
સ્થાપના: યુએસ પેસિફિક કમાન્ડની સ્થાપના 1 જાન્યુઆરી 1947ના રોજ અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેરિ એસ. ટ્રુમેન દ્વારા કરવામાં આવી હતી.
સૌથી જૂની અને મોટી કમાન્ડ: આ અમેરિકાની સૌથી જૂની અને સૌથી મોટી ‘યુનિફાઇડ કોમ્બેટન્ટ કમાન્ડ’ (Unified Combatant Command) છે. આ કમાન્ડે પોતાના 70 થી વધુ વર્ષોના ઇતિહાસમાં ‘USPACOM’ ના બેનર હેઠળ જ દેશની સેવા કરી છે.
માનવબળ: આ કમાન્ડના અધિકાર ક્ષેત્રમાં (જેમાં ભારત પણ સામેલ છે) આશરે 3,75,000 નાગરિક અને સૈન્ય કર્મચારીઓ તૈનાત છે.
2. વર્ષ 2018માં કેમ બદલાયું હતું નામ?
વર્ષ 2018માં તત્કાલીન અમેરિકન સંરક્ષણ મંત્રી જિમ મેટિસે આ કમાન્ડનું નામ બદલીને ‘યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ (USINDOPACOM) કર્યું હતું. તે સમયે વોશિંગ્ટન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રતિકાત્મક ફેરફાર હિંદ મહાસાગર ક્ષેત્રના વધી રહેલા વ્યૂહાત્મક મહત્વ અને પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા સાથે તેના જોડાણને દર્શાવે છે. હવે 2026માં આ નિર્ણયને પલટાવી દેવામાં આવ્યો છે.
3. જૂના નામ પર પરત ફરવાનું કારણ શું છે?
અમેરિકન યુદ્ધ વિભાગે (સંરક્ષણ વિભાગ) મૂળ નામ ‘USPACOM’ પાછું લાવવા પાછળનું મુખ્ય કારણ આપતા જણાવ્યું છે કે, ‘આનો હેતુ કમાન્ડની ઐતિહાસિક ઓળખ અને તેની સંસ્થાગત વિરાસતને સન્માન આપવાનો છે. આ પદનામ કમાન્ડના ઊંડા ઐતિહાસિક મૂળનું સન્માન કરે છે, જેનાથી આ ક્ષેત્રમાં સેવા આપતા તમામ સૈન્ય કર્મચારીઓ વચ્ચે ગૌરવ અને એકજૂટતાની ભાવના મજબૂત થશે.’
4. શું મિશન કે કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર થશે?
અમેરિકન સત્તાધિશોએ સ્પષ્ટ કર્યું છે કે, ‘નામમાં ફેરફાર થવાથી કમાન્ડના ઓપરેશનલ રોલ, વ્યૂહાત્મક મિશન, સંસાધનો કે સ્ટાફ પર કોઈ જ અસર નહીં પડે. કમાન્ડની જવાબદારીનો ભૌગોલિક વિસ્તાર પહેલાની જેમ જ યથાવત રહેશે.આ વિસ્તાર અમેરિકાના પશ્ચિમ કિનારાના દરિયાઈ વિસ્તારથી શરૂ થઈને ભારતની પશ્ચિમ સરહદ સુધી ફેલાયેલો છે. પ્રાદેશિક સહયોગીઓ અને ભાગીદારો સાથે મળીને ‘સ્વતંત્ર અને ખુલ્લા’ (Free and Open) થિયેટરને જાળવી રાખવાની અમેરિકાની પ્રતિબદ્ધતા કોઈપણ અટકાવ વગર સતત યથાવત્ રહેશે.’



