અમે તમારા ગુલામ નથી: ઈરાન સાથે ડીલ થતાં જ અમેરિકા પર ભડક્યું ઈઝરાયલ, સેના પાછી ખેંચવાનો ઇન્કાર | why israel is against us iran peace deal netanyahu response

![]()
Why Israel Opposes US Iran Peace Deal ? : અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કાયમી ધોરણે રોકવા માટે જે ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થઈ છે, તેનું વિશ્વભરમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારિક જહાજોની સ્વતંત્રતા અને ક્ષેત્રમાં સ્થિરતાની આશા વચ્ચે, આ શાંતિ પ્રક્રિયાથી અમેરિકાનો સૌથી નજીકનો સાથી દેશ ઈઝરાયલ બિલકુલ ખુશ નથી. આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં આ સમજૂતી MoU પર હસ્તાક્ષર થવાના છે, તે પૂર્વે ઈઝરાયલના ટોચના નેતાઓએ આ ડીલ વિરુદ્ધ ખુલ્લેઆમ મોરચો ખોલી દીધો છે.
અમેરિકા હવે યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે
આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો ત્યારથી આ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકી સૈન્ય મથકો પર ઈરાની જવાબી હુમલાઓને કારણે અખાતી દેશો આ યુદ્ધની ઝપેટમાં આવી ગયા હતા. આ દરમિયાન ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ હુમલાઓ તીવ્ર બન્યા, જેના લીધે આ જંગ લેબેનૉન સુધી વિસ્તરી ગયો હતો. હવે જ્યારે અમેરિકા આમાંથી બહાર નીકળવા માટે ઈરાન સાથે કરાર કરી રહ્યું છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેતવણી આપી છે કે જો ઈરાન લેબેનૉન સૈન્ય અભિયાનના મુદ્દે ઈઝરાયલ પર હુમલો કરશે, તો તેલ અવીવ ‘પૂરી તાકાત’ સાથે તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
‘ઈઝરાયલ અમેરિકાનું ગુલામ નથી’
બેન્જામિન નેતન્યાહૂની કટ્ટરપંથી ગઠબંધન સરકારના મંત્રીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલો આ શાંતિ કરાર ઈઝરાયલને બિલકુલ લાગુ પડતો નથી. ઈઝરાયલના નેશનલ સિક્યુરિટી મંત્રી ઇતામાર બેન-ગ્વીરે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, ટ્રમ્પની સમજૂતી અમને બાંધતી નથી. ઈઝરાયલ અમેરિકાને આધીન નથી, અને અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ! ઈઝરાયલ રાજ્ય કોઈ બનાના રિપબ્લિક નથી. અમે આ સમજૂતીના ભાગીદાર નથી જે અમારી સુરક્ષાની ખાતરી આપતી નથી, અને તે અમને કોઈપણ રીતે બંધનકર્તા નથી. આપણે હિઝબુલ્લાહના સંપૂર્ણ ખાતમાથી ઓછું કશું જ મંજૂર ન કરવું જોઈએ. આપણા સૈનિકોએ જે પ્રદેશો કબજે કર્યા છે અને જ્યાંથી આતંકવાદી માળખું સાફ કર્યું છે, ત્યાંથી આપણે સેના પાછી ન ખેંચવી જોઈએ.
‘અમેરિકા-ઈરાન ડીલ તો સમગ્ર વિશ્વ માટે ખરાબ’
ઈઝરાયલના નાણા મંત્રી બેઝારેલ સ્મોટ્રિચે પણ કહ્યું કે આ અમેરિકા-ઈરાન કરાર ઈઝરાયલ અને વિશ્વ માટે અત્યંત ખરાબ છે. તેમણે ઉમેર્યું કે, આપણે ઈરાનની સત્તાને તોડી પાડવાનું અભિયાન આપણી જાતે જ અને રચનાત્મક રીતે આગળ વધારવું પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવી શકે.
લેબેનૉન અને સીરિયામાંથી પીછેહઠ નહીં કરે ઈઝરાયલ
બીજી તરફ, સંરક્ષણ મંત્રી કાત્ઝે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ લેબેનૉન, સીરિયા અને ગાઝા પટ્ટીમાંથી પોતાની સેના પાછી નહીં ખેંચે. કાત્ઝના જણાવ્યા મુજબ, પ્રદેશો પર કબજો જાળવી રાખવો અને સુરક્ષા ઝોન જાળવવા એ ઈઝરાયલી સૈન્યની સૌથી મોટી સિદ્ધિ છે, તેથી તમામ આંતરરાષ્ટ્રીય દબાણો છતાં તેઓ સેના પાછી ખેંચવાની વિરુદ્ધમાં છે અને વડાપ્રધાન નેતન્યાહૂએ અમેરિકી પ્રમુખને આ નિર્ણયની જાણ કરી દીધી છે.
ઈઝરાયલમાં વિપક્ષ નેતન્યાહૂ પર ભડક્યું
આ અણધારી રાજદ્વારી ઘટનામાં ઈઝરાયલના વિપક્ષી દળોએ પણ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા છે. ઈઝરાયલી ડેમોક્રેટિક પાર્ટીના નેતા યાયર ગોલાને વડાપ્રધાનની આકરી ટીકા કરતા કહ્યું કે, આપણા પાયલોટોની હિંમત અને સૈનિકોના લોહીથી મેળવેલી વિશાળ સૈન્ય સિદ્ધિઓ આ ડીલથી ભૂંસાઈ ગઈ છે, જ્યારે નેતન્યાહૂ એક બાજુએ નબળા, બીમાર, એકલા અને શક્તિહીન થઈને ઊભા રહી જોતા રહ્યા.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તરફથી આ શાંતિ કરાર પર હજુ સુધી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તેમના અગાઉના નિવેદન મુજબ તેઓ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે કટિબદ્ધ છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયલ સતત 4 મોટા યુદ્ધો લડી ચૂક્યું છે – 2023માં હમાસ સાથે ગાઝા યુદ્ધ, 2024માં લેબેનૉનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ, 2025માં ઈરાન સાથે 12 દિવસનું યુદ્ધ અને હવે 2026માં આ અમેરિકા-ઈરાન યુદ્ધ. આ સ્થિતિમાં પોતાના સૈન્ય હિતોને બાજુ પર રાખીને થઈ રહેલો આ કરાર ઈઝરાયલ સરળતાથી સ્વીકારે તેમ લાગતું નથી.



