મોદી છ દિવસના વિદેશ પ્રવાસે રવાના, ફ્રાંસમાં ટ્રમ્પને મળશે | Modi leaves for six day foreign trip will meet Trump in France

![]()
– પીએમ મોદી સાતમી વખત ફ્રાંસની મુલાકાતે
– જી-7 દેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે પણ મોદીની મુલાકાત થશે, સ્લોવાકિયા પણ જશે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ૧૭મી જૂનના રોજ મુલાકાત થશે, ફ્રાન્સમાં યોજાનારી જી-૭ સમિટ દરમિયાન બન્ને દેશોના વડાઓ મળશે. મોદી પોતાના છ દિવસના આ વિદેશ પ્રવાસ માટે રવાના થઇ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે આગામી જી-૭ સમિટમાં ભારત ન માત્ર પોતાના હિતો માટે વાત કરશે સાથે સાથે ગ્લોબલ સાઉથની મહત્વકાંક્ષાઓને પણ મહત્વ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ જવા માટે રવાના થાય તે પહેલા આ નિવેદન જાહેર કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે આ આઠમી એવી જી-૭ સમિટ છે કે જેમાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે.
૧૬ અને ૧૭ જૂનના રોજ ફ્રાંસમાં જી-૭ સમિટ યોજાવા જઇ રહી છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ જશે, સાથે જ સ્લોવાકિયાની પણ મુલાકાત લેશે, તેઓ સ્લોવાકિયાના પ્રમુખ પિટર પેલેગ્રીનીને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના છ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થઇ ગયા હતા. મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા તે બાદ આ તેમની સાતમી ફ્રાંસ મુલાકાત છે.
નોંધનીય છે કે હોર્મુઝ ખાડીએ અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયો માર્યા ગયા છે, ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ અંગે કરારોને લઇને પણ અંતિમ ઓપ આપવા ચર્ચા ચાલી રહી છે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત થવા જઇ રહી છે. જોકે મુલાકાતમાં શું એજન્ડા હશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.



