અમેરિકા-ઈરાન વચ્ચે આવતીકાલે શાંતિ કરાર પર થશે હસ્તાક્ષર, ટ્રમ્પની મોટી જાહેરાત | donald trump announces us iran peace deal to reopen strait of hormuz

Donald Trump Announces US Iran Peace Deal: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરાર અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, શાંતિ કરાર પર આવતીકાલે રવિવારે(14 જૂન, 2026) હસ્તાક્ષર કરવામાં આવશે. આ પછી તરત જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી અમેરિકા ‘ન્યુક્લીયર ડસ્ટ’ એકત્રિત કરવા માટે ઈરાન જશે.
શાંતિ કરાર પર ટ્રમ્પનો દાવો
ઈરાન સામે શાંતિ કરાર પર ટ્રમ્પે દાવો કરતા TruthSocial પર લખ્યું કે, બરાક ઓબામાની ઈરાન સાથેની ડીલ, JCPOA, પરમાણુ શસ્ત્રો મેળવવાનો એક સરળ, ભવ્ય અને સીધો રસ્તો હતો. જો તે ડીલ યથાવત રહી હોત તો ઈરાન 6 વર્ષ પહેલાં પરમાણુ શસ્ત્રો મેળવી લેત અને અત્યાર સુધીમાં તેનો ઉપયોગ કર્યો હોત. ઈરાન સાથેનો મારો કરાર બિલકુલ વિપરીત છે.

તમામ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે
ટ્રમ્પે કહ્યું કે, ‘હવે અમે પરમાણુ શસ્ત્રો ઇચ્છતા નથી. આ કરાર પર કાલે હસ્તાક્ષર થવાના છે અને તેના પર હસ્તાક્ષર થતાંની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે ખુલ્લો થઈ જશે. ઈરાન સાથેના અમારા સંબંધો અગાઉની સરકારો કરતા ઘણા અલગ અને સારા છે. ઓબામાએ તેમને અબજો ડોલર આપ્યા હતા, જેમાં $1.7 બિલિયન રોકડનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત હવે કોઈ નાણાકીય લેવડદેવડ થશે નહીં.’
સમગ્ર મિડલ ઇસ્ટ સાથે મળીને કામ કરીશું: ટ્રમ્પ
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ‘યોગ્ય સમય આવવા પર અને બધું શાંત થશે ત્યારે અમે અમારા શાનદાર B-2 બોમ્બર્સ અને તેમના ઉત્તમ પાઇલટ્સનો ઉપયોગ કરીને ગ્રેનાઈટ પર્વતોની નીચે દટાયેલા ‘ન્યુક્લીયર ડસ્ટ’ને બહાર કાઢીને નબળું પાડ્યા બાદ તેનો નાશ કરીશું. અમે ભવિષ્યમાં ઈરાન અને સમગ્ર મિડલ ઇસ્ટ સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ. અમને આશા છે કે આ પ્રક્રિયા ઝડપથી, સરળતાથી અને કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. જો એવું ન થાય તો અમારી પાસે છેલ્લો ઉપાય છે. આશા છે કે તેનો ક્યારેય ઉપયોગ કરવો ન પડે.’



