મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું : અમેરિકાના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યું | Iran Closes Strait of Hormuz to Ships After US Self Defense Air Strikes

![]()
Strait of Hormuz : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વોચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે.
વૈશ્વિક બજારોમાં ચિંતા, બે જહાજો પર હુમલાનો દાવો
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનારા બે જહાજોને દરિયામાં પહેલેથી જ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે આ જળમાર્ગ સંપૂર્ણ બંધ નથી થયો અને અમેરિકન જહાજો પર કોઈ સફળ હુમલો થયો નથી.
ઈરાનના ટાપુઓ અને સૈન્ય મથકો પર યુએસ સેનાનો પ્રચંડ પ્રહાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના આદેશ પર અમેરિકન દળોએ ઈરાનના અનેક મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ‘સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઈક’ (સ્વ-બચાવમાં હુમલા) શરૂ કર્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના અહેવાલ મુજબ ઈરાનના દક્ષિણ ભાગોમાં ભારે બોમ્બમારો થયો છે:
કેશમ અને હેંગામ ટાપુઓ પર અજ્ઞાત મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ પડવાથી શક્તિશાળી વિસ્ફોટો થયા છે.
વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા બંદર અબ્બાસ એરપોર્ટ અને સૈન્ય એરબેઝ નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા છે.
કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે.
બહેરીનમાં વાગ્યા યુદ્ધના સાયરન
આ સૈન્ય હોળીની આંચ પાડોશી દેશો સુધી પહોંચી ગઈ છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકી હુમલાના જવાબમાં તેમણે બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળના ‘ફિફ્થ ફ્લીટ’ (Fifth Fleet) ના મુખ્યાલય પર મિસાઈલો દાગી છે, જેના કારણે બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે.
ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી
બીજી તરફ, ઈરાનની ‘તસ્નીમ’ ન્યૂઝ એજન્સીએ લશ્કરી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાની સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. જો અમેરિકા તેની આક્રમકતા ચાલુ રાખશે, તો મિડલ ઈસ્ટમાં રહેલા તમામ અમેરિકાના હિતો અને લશ્કરી મથકોને ઈરાન નવા સિરાથી ધ્વસ્ત કરી નાખશે. આ તાજા સૈન્ય સંઘર્ષે સમગ્ર ખાડી ક્ષેત્રને ફરી એકવાર યુદ્ધના મુહાને લાવીને ઊભું રાખી દીધું છે.



