અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 11 માસૂમ સહિત 13ના મોતથી ભારે આક્રોશ | Pakistan Launches Airstrikes in Afghanistan: 13 Civilians Killed

![]()
Pakistan airstrikes Afghanistan 2026 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં વ્યાપેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું સરેઆમ ઉલ્લંઘન કરીને તેના સરહદી વિસ્તારોમાં ભયાનક હવાઈ હુમલો (એરસ્ટ્રાઈક) કર્યો છે. અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને અંધાધૂંધ બોમ્બમારો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક સામાન્ય નાગરિકો ભોગ બન્યા છે.
ત્રણ પ્રમુખ પ્રાંતોમાં ભારે વિનાશ, 11 બાળકોના મોત
પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ અફઘાનિસ્તાનના ત્રણ મુખ્ય પ્રાંતો – કૂનાર, ખોસ્ત અને પક્તિકાના રહેણાંક વિસ્તારોને ખાસ નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે અનેક મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં જાનમાલનું પ્રચંડ નુકસાન થયું છે. કુલ 13 નાગરિકોના મોત નીપજ્યા છે, જેમને અફઘાન પ્રશાસન દ્વારા શહીદ જાહેર કરવામાં આવ્યા છે. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતકોમાં માસૂમ બાળકોની સંખ્યા સૌથી વધારે છે; જેમાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાન સરકારે વ્યક્ત કર્યો આક્રોશ
આ ઉપરાંત, 14 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હજુ પણ કેટલાય લોકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ પાકિસ્તાની સૈન્ય કાર્યવાહી બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાનની આ હિલચાલને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અમે આ અમાનવીય અપરાધ અને ઘાતકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ”. અફઘાનિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન અને સામાન્ય નાગરિકો વિરૂદ્ધ આચરવામાં આવેલો ક્રૂર ગુનો ગણાવ્યો છે, જેના કારણે બંને પાડોશી દેશો વચ્ચે આગામી સમયમાં સૈન્ય અથડામણ વધવાના એંધાણ મળી રહ્યા છે.



