ટ્રમ્પને આંચકો એચ-1બી વિઝાની એક લાખ ડોલર ફી ગેરકાયદે | Trump shocked: 100 000 fee for H 1B visa is illegal

![]()
– અમેરિકન ફેડરલ જજના ચુકાદાથી સોંપો પડી ગયો
– ડેમોક્રેટ શાસિત 20 રાજ્યોના એટર્નીઓની દલીલ હતી કે કોંગ્રેસની મંજૂરી વગર આટલો જંગી ફી વધારો કરવાની પ્રમુખને સત્તા નથી
– ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇમિગ્રેશન આધારિત માઇગ્રેશન રોકવા વિઝા ફીમાં જંગી વધારો કરી એક લાખ ડોલર કરી નાખી હતી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પને લાગતા એક પછી એક ઝાટકા અટકવાનું નામ લેતા નથી. ફેડરલ જજે વિદેશી ટેક વર્કરો પર લાદવામાં આવેલી એક લાખ ડોલરની એચ-૧બી વિઝા ફી ગેરકાયદેસરની ગણાવતો ટ્રમ્પને વધુ એક ઝાટકો લાગ્યો છે. અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ લીયો સોરોકિને બોસ્ટનમાં આ ફી વધારો ફગાવી દીધો હતો. ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ફી વધારો નાખ્યો હતો.
લગભગ ૨૦ ડેમોક્રેટિક સ્ટેટના એટર્ની જનરલે કોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રમ્પ તંત્ર પાસે આટલી જંગી ફી લાદવાનો કોઈ અધિકાર જ નથી. જજ તેમની વાત સાથે સંમત થયા હતા અને ટ્રમ્પના પગલાંને ગેરકાયદે ગણાવ્યું હતું.
રોજગાર આધારિત ઇમિગ્રેશન પર પર અંકુશ લાદવા માગતા ટ્રમ્પ તંત્ર માટે આ ચુકાદો મોટો ફટકો છે. ભારતીય વ્યવસાયિકો દ્વારા અને અમેરિકામાં મોટાપાયા પર ભારતીય કંપનીઓ દ્વારા એચ-૧બી વિઝાનો ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રમ્પ તંત્રની નીતિના કારણે એચ-૧બી વિઝા મેળવવાનો ખર્ચ પ્રતિ અરજી બે હજાર ડોલરથી પાંચ હજાર ડોલર હતો, જે સીધો એક લાખ ડોલર થઈ ગયો હતો.
ટ્રમ્પ તંત્રના આ નિર્ણય સામેની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેઓની પાસે કોંગ્રેસની મંજૂરી વગર આટલો જંગી ટેક્સ નાખવાની સત્તા જ નથી. આમ તેઓ તેમની સત્તાને અતિક્રમી ગયા છે. તેથી તેમણે લાદેલી જંગી એચ-૧બી વિઝા ફી ગેરકાયદે છે.
રાજ્યોની દલીલ હતી કે આ ફીના કારણે ટેકનોલોજી, હેલ્થકેર અને શિક્ષણ જેવા ક્ષેત્રોાં પ્રવર્તતી શ્રમિકોની અછતની સ્થિતિ વધુ વકરશે. તેઓ આ બધા માટે ઉચ્ચ સ્તરીય કુશળતા ધરાવતા વિદેશી કામદારો પર આધારિત છે.
એચ-૧બી કાર્યક્રમ અમેરિકન કંપનીઓને ઉચ્ચસ્તરીય કુશળતા ધરાવતા વિદેશી કામદારો લેવાની તક આપે છે. તેમા એન્જિનિયરિંગ, દવા, વિજ્ઞાાન, શિક્ષણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે ૨૦૨૫માં પ્રેસિડેન્સિયલ પ્રોક્લેમેશન દ્વારા આ ફી રજૂ કરી હતી. તેની દલીલ હતી કે તેના કારણે અમેરિકન કામદારોને મદદ મળશે અને એચ-૧બી સિસ્ટમના દૂરુપયોગ પર અંકુશ લાવી શકાશે.આ ચુકાદો ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન એજન્ડાને ફગાવી દે છે. આના પગલે કોંગ્રેસની મંજૂરી વગર ઇમિગ્રેશન સંલગ્ન ફી લાદવાની ટ્રમ્પની સત્તા પર સીધો અંકુશ આવી જશે. તેઓ નિરંકુશ થઈને કોઈ વધારો નહીં કરી શકે.



