દુબઇમાં રસ્તામાં ઉભેલી ટ્રક સાથે મિની બસની ટક્કર : સાત ભારતીયોનાં મોત | Minibus collides with truck parked on road in Dubai: Seven Indians die

![]()
– ભારતીય અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી
– ઘાયલ 9 ભારતીયો પૈકી પાંચની સ્થિતિ ગંભીર : ટ્રક ટેકનિકલ ખામીને પગલે રોડની વચ્ચે અચાનક બંધ થઇ ગઇ હતી
દુબઇ : દુબઇમાં સોમવારે રસ્તાની વચ્ચે રોકાયેલી ટ્રક સાથે એક મિની બસ અથડાતા સાત ભારતીય કામદારોનાં મોત થયા હતાં અને ૯ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
દુબઇમાં ભારતીય કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે દુબઇમાં થયેલા માર્ગ અકસ્માતથી ખૂબ દુ:ખ થયું છે. જેમાં સાત ભારતીયોનાં મોત થયા છે.
ભારતીય મિશને જણાવ્યું છે કે તમામ શક્ય મદદ અને સહકાર આપવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કાર્ય કરવામાં આવી રહ્યું છે.
દુબઇ પોલીસનાં ટ્રાફિક વિભાગનાં જનરલ ડિપાર્ટમેન્ટનાં ડાયરેક્ટર બ્રિગેડિયર જુમા સલેમ બિન સુવૈદાને જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રક ટેકનિકલ ખામીને કારણે અમીરાત રોડની વચ્ચે અચાનક બંધ થઇ ગઇ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બસ ડ્રાઇવર ટ્રકથી સલામત અંતર જાળવવામાં નિષ્ફળ ગયો હતો. જેના કારણે તે પાછળથી ટ્રક સાથે અથડાઇ ગયો હતો.
૯ ઘાયલો પૈકી પાંચને ગંભીર ઇજાઓ થઇ છે જ્યારે ચારને સામાન્ય ઇજા થઇ છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભારતીય મિશનનાં અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોને મળ્યા હતાં.
ભારતીય મિશને જણાવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમારી હૃદયપૂર્વકની સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.
અકસ્માતનાં ચોક્કસ કારણો જાણવા માટે ટ્રાફિક અકસ્માત તપાસ વિભાગનાં નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતાં.



