दुनिया

ટ્રમ્પને મોટો ફટકો: H-1B વિઝાની 100,000 ડોલર ફી રદબાતલ, ભારતીય ટેક પ્રોફેશનલ્સને રાહત | us court strikes down trump 100k h1b visa fee indians relief



US Judge Strikes Down Trumps 100k Visa Fee for Skilled Workers : અમેરિકામાં જઈને પોતાની કુશળતાના દમ પર કરિયર બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વૈશ્વિક ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ વિવાદાસ્પદ નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે, જેમાં તેમણે નવા H-1B વિઝા માટે 100,000 ડોલરની જંગી ફી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જજ લિયો સોરોકિને આ નીતિને ગેરકાનૂની ગણાવીને ફગાવી દીધી છે, જે ટ્રમ્પ વહીવટીતંત્રના ઈમિગ્રેશન ક્રૅકડાઉન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.  

પ્રમુખ પાસે ટેક્સ લાદવાની સત્તા નથી: કોર્ટનો ચુકાદો

બોસ્ટનના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરોકિને સોમવારે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોંગ્રેસ (અમેરિકન સંસદ)ની મંજૂરી વિના આટલી મોટી ફી લાદવાની કોઈ કાનૂની સત્તા નથી. આ પેમેન્ટની પ્રકૃતિ અને તેનો અમલ જોતાં સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક ફી નથી પરંતુ એક ટેક્સ છે, પછી ભલે તેને ગમે તે નામ આપવામાં આવે. રાષ્ટ્રપ્રમુખ પાસે ત્યાં સુધી ટેક્સ લાદવાની કોઈ સત્તા નથી જ્યાં સુધી કોંગ્રેસ દ્વારા કાયદાકીય રીતે આવી સત્તા સોંપવામાં ન આવી હોય. 

આ ચુકાદા સાથે જ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના આ આદેશને અમાન્ય જાહેર કર્યો છે.

અમેરિકાની કંપનીઓમાં અમેરિકન્સને પ્રાથમિકતા મળે તેવો ટ્રમ્પનો હેતુ

ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર મહિનામાં આ ફી વધારાની જાહેરાત કરી હતી. તેમનો હેતુ અમેરિકાની કંપનીઓને વિદેશી કર્મચારીઓ રાખતા રોકવાનો અને સ્થાનિક અમેરિકનોને નોકરીઓ આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.  આ ફેરફાર પહેલાં, અમેરિકી કંપનીઓને H-1B વિઝા સંબંધિત પ્રક્રિયા માટે સામાન્ય રીતે 2,000 ડોલર થી 5,000 ડોલરની વચ્ચે ફી ચૂકવવી પડતી હતી. 

અનેક રાજ્યોમાં ટ્રમ્પના નિર્ણયનો ભારે વિરોધ અને કેસ

આ વિવાદાસ્પદ નીતિ સામે કેલિફોર્નિયા અને અન્ય 19 ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રાજ્યોની દલીલ હતી કે રાષ્ટ્રપ્રમુખ પોતાની મરજીથી આવો મોટો આર્થિક બોજ લાદી શકે નહીં. આ ઉપરાંત યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, અગ્રણી બિઝનેસ સંગઠનો અને યુનિવર્સિટીઓએ પણ આ નીતિ સામે અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા, કારણ કે આ ફીના કારણે પ્રતિભાઓને હાયર કરવાનું અશક્ય બની ગયું હતું. જોકે, એવી પૂરી સંભાવના છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરશે.

ભારતીયો માટે આ ચુકાદો કેમ લાઈફલાઈન સમાન છે?

H-1B વિઝા પ્રોગ્રામ એ ભારતીય આઈટી વ્યાવસાયિકો, એન્જિનિયરો, હેલ્થકેર વર્કર્સ અને ફાઇનાન્સ એક્સપર્ટ્સ માટે અમેરિકામાં કામ કરવાનો સૌથી મોટો અને મહત્વનો માર્ગ છે. દર વર્ષે ઈશ્યુ થતા H-1B વિઝામાં સિંહફાળો ભારતીય નાગરિકોનો જ હોય છે.

અમેરિકા દર વર્ષે કુલ 65,000 નિયમિત H-1B વિઝા આપે છે, જ્યારે અન્ય 20,000 વિઝા અમેરિકન સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવનારાઓ માટે અનામત હોય છે. ઈમિગ્રેશન એડવોકેસી ગ્રુપ FWD.us ના આંકડા અનુસાર, હાલમાં અંદાજે 730,000 H-1B વિઝા ધારકો અમેરિકામાં વસે છે, અને તેમની સાથે તેમનાઆશ્રિતો (પત્ની અને બાળકો) ની સંખ્યા પણ આશરે 550,000 જેટલી છે.



Source link

Related Articles

Back to top button