દુબઈમાં ભીષણ માર્ગ અકસ્માત: ટ્રક સાથે મિનીબસ અથડાતાં અનેક ભારતીય શ્રમિકો સહિત 7 ના મોત | Dubai Road Accident: 7 Killed Including Indian Workers as Minibus Rams Into Truck on Emirates Road

![]()
Dubai Road Accident : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં એક અત્યંત કરુણ અને મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. દુબઈના એમિરેટ્સ રોડ પર સોમવારે (08 જૂન 2026) એક મિનીબસ રસ્તાની વચ્ચે ઉભેલા ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જેમાં અનેક ભારતીય શ્રમિકો પણ સામેલ છે. દુબઈ પોલીસની પ્રારંભિક તપાસ મુજબ, એક ટ્રક ટેકનિકલ ખામીના કારણે હાઈવેની વચ્ચે જ ઉભો રહી ગયો હતો. તેની પાછળ આવી રહેલી મિનીબસના ડ્રાઈવરે સુરક્ષિત અંતર જાળવ્યું ન હતું, જેના કારણે મિનીબસ પૂરપાટ ઝડપે ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મિનીબસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ‘આ દુર્ઘટનામાં ભારતીય શ્રમિકોના મોત થયા છે, અને કેટલાક ઘાયલ થયા છે.
ઘાયલોમાં અનેકની હાલત ગંભીર
દુબઈ પોલીસના ટ્રાફિક વિભાગના ડાયરેક્ટર બ્રિગેડિયર જુમા સાલેમે જણાવ્યું કે, ‘આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, અને બસમાં સવાર અન્ય 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, ‘તેમના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્ત ભારતીય નાગરિકોની મુલાકાત લીધી છે. દૂતાવાસ સ્થાનિક પ્રશાસન સાથે મળીને પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.’
રસ્તાની વચ્ચે વાહન ઉભું રાખવા પર કડક કાર્યવાહી
બ્રિગેડિયર જુમા સાલેમે વાહનચાલકોને ચેતવણી આપતા કહ્યું કે, ‘હાઈવે કે રસ્તાની વચ્ચે વાહન ઉભું રાખવું એ સૌથી ખતરનાક ભૂલોમાંથી એક છે, જેના કારણે આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે.
દુબઈ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ‘રસ્તાની વચ્ચે ગાડી રોકવી એ એક ગંભીર ગુનો છે. આ નિયમનો ભંગ કરવા બદલ ડ્રાઈવર પર 1,000 દિરહામ (AED) નો ભારે દંડ ફટકારવામાં આવે છે, અને તેના ડ્રાઈવિંગ લાયસન્સ પર 6 બ્લેક ટ્રાફિક પોઈન્ટ્સ પણ નોંધવામાં આવે છે.’



