ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ : ટ્રમ્પનું મૌન : ભારતીય દૂતાવાસે ભારતીઓને તહેરાન કરમન શાહ છોડવા સલાહ આપી | Israel Iran War: Trump’s Silence: Indian Embassy Advises Indians to Leave Tehran Kermanshah

![]()
– લેબેનોને અને ઈઝરાયલને લીધે મધ્ય-પૂર્વમાં નવો મોર્ચો ખુલી ગયો છે ઈઝરાયલે હિઝબુલ્લાહને ખતમ કરવા શપથ લીધા છે : ઈરાન અને ઈઝરાયેલ સામસામા હુમલા કરે છે
નવી દિલ્હી : મધ્યપૂર્વમાં ફરી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાન અને ઈઝરાયલ એકબીજા ઉપર બોમ્બમારો અને મિસાઇલ્સ તથા ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધનું કારણ લેબેનોને અને ત્યાં રહેલા હિઝબુલ્લાહ છે. ઈઝરાયલે લેબેનોનનાં પાટનગર બૈરૂતમાં હિઝબુલ્લાહના મથકો ઉપર હુમલા કર્યા છે તેનો બદલો લેવા ઈરાન અને હીઝબુલ્લાહે સાથે મળી ગઈ રાત્રીએ ઈઝરાયલ ઉપર હુમલા કર્યા છે. તેની જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે તહેરાન અને કરમનશાહ સહિત ઈરાનનાં કેટલાયે શહેરો ઉપર બોમ્બવર્ષા કરી છે. આ ઘટનાઓથી જાણે કે પોતે તદ્દન અજાણ જ હોય તેવો દેખાવ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળ મૌન સેવી રહ્યા છે.
વાસ્તવમાં ટ્રમ્પે નેતન્યાહૂને વળતા હુમલા નહીં કરવા સૂચના આપી હતી. આમ છતાં ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી, જે બંને પક્ષોના લશ્કરી વડાઓએ પુષ્ટિ પણ કરી છે.
આ પૂર્વે એક તબક્કે તો, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઈસ્માઇલ બકાઈએ એક નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ સમાધાન માટે અમેરિકા-ઈરાન એકબીજાના સંપર્કમાં છે. યુદ્ધ સમાપ્ત કરવા માટે પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા સમજૂતી સાધવા પ્રયત્નો થઈ રહ્યાં છે. આમ છતાં મધ્યપૂર્વનો ઘટનાક્રમ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે સમજૂતી કે શાંતિના પાકિસ્તાનના પ્રયાસોના ધજાગરા ઊંડી રહ્યાં છે. યુદ્ધનો અંત તો દેખાતો નથી ઉલટાનું વકરી રહ્યું છે. આ સંયોગોમાં તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ઈરાનમાં વસતા ભારતીયોને તહેરાન અને કરમનશાહ સહિત તમામ નગરો વહેલામાં વહેલી તકે છોડી દેવા એડવાઈઝરી જાહેર કરી છે તે થોડામાં ઘણું કહી જાય છે.


