दुनिया

ઈરાનનું ઓપરેશન નસર: ઈઝરાયલે વિચાર્યું પણ નહોતું ત્યાં જઈને મિસાઈલોનો કર્યો વરસાદ | IRGC targets Israels Nevatim Tel Nof Airbases



Iran Targets Israel Important Air Bases: ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં સમજૂતીની તમામ આશાઓ ખતમ થતી દેખાઈ રહી છે અને ફરી એક વાર ઈરાન-ઈઝરાયલ સામસામે આવી ગયા છે. આ જ સિલસિલામાં ઈરાને ઈઝરાયલના એવા બે ઠેકાણાઓ પર હુમલો કર્યો છે જે નેતન્યાહૂ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ હુમલાની સાથે જ પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભડકી ઉઠી છે. 

ઈઝરાયલના આક્રમક વલણના જવાબમાં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સે ઈઝરાયલના બે મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવીને મોટો હુમલો કરતા નેવાતિમ તેમજ તેલ નોફ એરબેઝ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે.

ઈરાને આ કાર્યવાહીને ‘ઓપરેશન નસર’ નામ આપ્યું છે. IRGCએ જણાવ્યું કે તેના લડાકુઓએ ઈઝરાયલના નેવાતિમ અને તેલ નોફ એરબેઝને નિશાન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બંને એરબેઝ ઈઝરાયલની વાયુસેનાના સૌથી વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ ઠેકાણામાં સામેલ છે. નેતન્યાહૂ માટે ઈરાનનું અહીં સુધી પહોંચવું એ કોઈ ખરાબ સ્વપ્નથી ઓછું નથી.

તમને જણાવી દઈએ કે, લેબનાન પર ઈઝરાયલી હુમલાઓને લઈને ઈરાને અમેરિકાને અનેક વખત ઈઝરાયલ પર લગામ કસવા માટે કહ્યું હતું. જો કે, ઈઝરાયલે આ હુમલા ન રોકતા આખરે ઈરાન પોતે જ તેની સામે મેદાને પડ્યું છે.

ઈઝરાયલના આ એરબેઝ કેમ મહત્ત્વપૂર્ણ છે, જ્યાં ઈરાને કહેર વરસાવ્યો?

નેવાતિમ એરબેઝ

– આ ઈઝરાયલનું અત્યાધુનિક એરબેઝ છે.

– ઈઝરાયલના અત્યાધુનિક F-35I Adir સ્ટીલ્થ લડાકુ વિમાનો અહીં જ તહેનાત છે.

– આ જેટ્સ ઈઝરાયલની લાંબા અંતરના હુમલા કરવાની ક્ષમતાના મુખ્ય આધાર છે.

– આ બેઝ પરથી ઈઝરાયલ મધ્ય પૂર્વના કોઈપણ ભાગમાં હુમલો કરી શકે છે.

– ઈરાનના આ હુમલાથી ઈઝરાયલની હવાઈ તાકાતને સીધો ઝટકો લાગ્યો છે.

– ગાઝા, લેબનાન, સીરિયા અને ઈરાન સાથે જોડાયેલા સૈન્ય અભિયાનોમાં આ એરબેઝની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહે છે.

તેલ નોફ એરબેઝ

– આ ઈઝરાયલનું જૂનું પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સૈન્ય બેઝ છે.

– અહીં F-15 Eagle અને અન્ય લડાકુ વિમાન તહેનાત રહે છે.

– અહીં ફાઈટર સ્ક્વોડ્રન, પાયલટ ટ્રેનિંગ અને અનેક વિશેષ સૈન્ય ઓપરેશન્સ ચલાવવામાં આવે છે.

– આ બેઝ પર ઈઝરાયેલની વાયુસેનાની ઘણી મહત્વની ગતિવિધિઓ સંચાલિત કરવામાં આવે છે.

ઈરાનની રડાર પર કેમ આવ્યા ઈઝરાયલી ઠેકાણા?

ઈરાનનું કહેવું છે કે આ હુમલો ઈઝરાયલ દ્વારા ઈરાનની ત્રણ રડાર સાઈટ્સ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો જવાબ છે. આ પહેલા ઈઝરાયલે ઈરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહશહર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો. આ વિસ્તાર ઈરાનનો ઉર્જાથી સમૃદ્ધ દરિયાકાંઠાનો પ્રદેશ છે. હુમલાના કારણે ઈઝરાયલના અનેક શહેરોમાં એર રેડ સાયરન વાગી ઉઠ્યા હતા. ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલો દાગી હતી, જેને ઈઝરાયલી ડિફેન્સ સિસ્ટમે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે પરમાણુ કરાર કરવા માટે અંતિમ પ્રયાસો કરી રહ્યા હતા. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમે ખૂબ જ નજીક હતા. કરાર આ અઠવાડિયે સોમવાર, મંગળવાર કે બુધવારે થઈ શક્યો હોત, પરંતુ હવે આ થઈ ગયું છે.’ ટ્રમ્પે બંને પક્ષોને ફરીથી ટેબલ પર (વાટાઘાટો માટે) પાછા આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમે મિસાઈલો છોડી દીધી, બસ હવે ઘણું થયું. હવે ડીલ કરવા માટે આવો.

ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર પણ વળતો હુમલો ન કરવા માટે દબાણ કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ‘જો વળતા હુમલા ચાલુ રહેશે તો આ સિલસિલો છેલ્લા 47 વર્ષ કે 3000 વર્ષથી ચાલી આવતી હિંસાની જેમ સતત ચાલતો જ રહેશે.’ 

ઈરાનની ચેતવણી

ત્યારબાદ ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા કે ઈઝરાયલ હવે પછી કોઈ પણ કાર્યવાહી કરશે, તો સમગ્ર વિસ્તારમાં આવેલા અમેરિકી અને ઈઝરાયલી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવશે. ઈરાકના શિયા મિલિશિયા કતાઈબ હિઝબુલ્લાહે પણ અમેરિકાને ચેતવણી આપી છે. 28 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા આ સંઘર્ષમાં હવે સીઝફાયર સંપૂર્ણપણે તૂટી ચૂક્યું છે. હવે ઈરાન તરફથી ઈઝરાયલના બે સૌથી મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવવા એ બાબતનો સ્પષ્ટ સંકેત છે કે ઈરાન હવે ઈઝરાયલની હવાઈ તાકાતને સીધો પડકાર આપી રહ્યું છે. વર્તમાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને સમગ્ર વિસ્તાર એક મોટા યુદ્ધની કગાર પર ઊભું છે. 



Source link

Related Articles

Back to top button