दुनिया

Explainer: ટ્રમ્પ ખરીદવા માંગે છે મોરેશિયસના ચાગોસ ટાપુ, જાણો શું છે અમેરિકન પ્રમુખની આ નવી યોજના | donald trump proposes to buy chagos islands from mauritius diego garcia security


Donald Trump Chagos Islands Proposal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અણધાર્યા અને આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા છે. અગાઉ વૈશ્વિક સ્તરે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દેનારા ટ્રમ્પે હવે હિંદ મહાસાગરમાં આવેલા ચાગોસ ટાપુઓ (Chagos Islands) પર નજર બગાડી છે. એવું કહેવાય છે કે, અમેરિકાએ યુનાઇટેડ કિંગડમ (UK) ને બાયપાસ કરીને સીધા મોરેશિયસ પાસેથી આ ટાપુઓ ખરીદવાનો એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક પ્રસ્તાવ તૈયાર કરાયો છે.

આ પગલાંનો મુખ્ય હેતુ મધ્ય હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકાના સૌથી શક્તિશાળી સૈન્ય મથક ‘ડિએગો ગાર્સિયા’ને ભવિષ્યના ભૌગોલિક જોખમોથી સુરક્ષિત કરવાનો છે. ઈરાન અને ચીન સાથે વધતા જતા વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકાની આ નવી યોજના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં એક નવો ભૂકંપ લાવી શકે છે.

Explainer: ટ્રમ્પ ખરીદવા માંગે છે મોરેશિયસના ચાગોસ ટાપુ, જાણો શું છે અમેરિકન પ્રમુખની આ નવી યોજના 2 - image

ખરીદીનો પ્રસ્તાવ અને નવી વહીવટી વ્યૂહરચના

બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફ’ ના અહેવાલ અનુસાર, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ દ્વારા આ મહત્ત્વાકાંક્ષી પ્રસ્તાવ રજૂ  કરાયો છે. આ યોજના હેઠળ, અમેરિકા પરંપરાગત રીતે તેના પરમ સાથી દેશ યુકે સાથે લાંબી વાટાઘાટો કરવાને બદલે સીધું મોરેશિયસ સાથે સ્વતંત્ર રીતે ડીલ કરવા માંગે છે.

ચાગોસ ટાપુઓ હિંદ મહાસાગરમાં આવેલા આશરે 60 થી વધુ નાના-મોટા ટાપુઓનો એક સમૂહ છે. સુંદર કોરલ રીફ (પરવાળાના ખડકો) થી ઘેરાયેલા આ ટાપુ સમૂહનો સૌથી મોટો અને દક્ષિણ છેડે આવેલો મુખ્ય ટાપુ ‘ડિએગો ગાર્સિયા’ છે. આ ટાપુ સમૂહ ભારતના દક્ષિણ છેડા ‘કન્યાકુમારી’થી આશરે 1,600 કિલોમીટર અને માલદીવ્સથી આશરે 500 કિલોમીટર દક્ષિણે મધ્ય દરિયામાં સ્થિત છે.

ચાગોસનો બ્રિટન અને મોરેશિયસ સાથેનો જટિલ સંબંધ

– બ્રિટિશ નિયંત્રણનો ઇતિહાસ: ઈ.સ. 1814 માં નેપોલિયનની હાર પછી ફ્રાન્સે એક આંતરરાષ્ટ્રીય સંધિ હેઠળ ચાગોસ ટાપુઓ અને મોરેશિયસનો કબજો બ્રિટનને સોંપી દીધો હતો. ત્યારબાદ ઈ.સ. 1965 માં બ્રિટને વ્યૂહાત્મક કારણોસર આ ટાપુઓને મોરેશિયસથી અલગ કરી દીધા અને તેને ‘બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી’ (BIOT) નામ આપ્યું.

– લશ્કરી લીઝ અને શરણાર્થીઓનો વિવાદ: બ્રિટને ત્યારબાદ ‘ડિએગો ગાર્સિયા’ ટાપુ અમેરિકાને શક્તિશાળી મિલિટરી બેઝ બનાવવા માટે લાંબા ગાળાની લીઝ (ભાડે) પર આપ્યો. આ બેઝના નિર્માણ માટે બ્રિટને ઈ.સ. 1967 થી 1973 દરમિયાન ત્યાં વસતા આશરે 2,000 જેટલા મૂળ સ્થાનિક ચાગોસિયન શરણાર્થીઓને બળજબરીપૂર્વક ત્યાંથી હાંકી કાઢ્યા હતા. હાલમાં આ ટાપુ પર અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત નૌકાદળ અને હવાઈ લશ્કરી મથક કાર્યરત છે.

– સાર્વભૌમત્વનો વિવાદ: ચાગોસ ટાપુઓ મોરેશિયસથી આશરે 2,100 થી 2,200 કિલોમીટર દૂર આવેલા છે. મોરેશિયસનો દાવો છે કે આ ટાપુઓ કાનૂની રીતે તેનો જ હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ મોરેશિયસની તરફેણમાં ચુકાદો આપીને બ્રિટનના કબજાને ગેરકાયદે ઠેરવ્યો છે.

ડિએગો ગાર્સિયાનું લશ્કરી મહત્ત્વ અને ઈરાન સાથે ટકરાવ

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તાજેતરમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે ચાગોસ ટાપુઓનું મહત્ત્વ રાતોરાત વધી ગયું છે. ‘ડિએગો ગાર્સિયા’ એરબેઝ ઈરાનથી આશરે 3,800 કિલોમીટર દૂર છે. આ એરબેઝ પરથી અમેરિકા લાંબા અંતરની ન્યુક્લિયર મિસાઇલો પણ છોડવા સક્ષમ છે.

આ સંઘર્ષ દરમિયાન ઈરાને અહીંના એરબેઝ પર હુમલા કરવાના અનેક પ્રયાસ કર્યા, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યા છે. ચાગોસ ટાપુઓ બ્રિટિશ માલિકીના હોવાથી અમેરિકાએ ઈરાન પર જવાબી હુમલા કરવા માટે બ્રિટનની મંજૂરી લેવી પડી હતી, જે માર્ચ મહિનામાં મળી હતી. આ મંજૂરી બાદ ઈરાનના વિદેશ મંત્રીએ બ્રિટનને ખુલ્લી ચેતવણી આપી હતી કે અમેરિકાને આ બેઝનો ઉપયોગ કરવા દઈને બ્રિટિશ સરકારે મધ્ય-પૂર્વમાં વસતા પોતાના નાગરિકોના જીવ જોખમમાં મૂકી દીધા છે.

ચીનનું જોખમ અને જાસૂસીની ચિંતા

ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ આ ખરીદીની યોજના સામે ગંભીર આંતરિક ચિંતાઓ વ્યક્ત કરી છે. વર્તમાન સમયમાં મોરેશિયસ ચીનનો ખૂબ નજીકનો સાથી દેશ ગણાય છે. જો ચાગોસ ટાપુઓનું નિયંત્રણ બ્રિટન સીધું મોરેશિયસને સોંપે, તો ચીન ત્યાં આડકતરી રીતે સક્રિય થઈ શકે છે. આનાથી ડિએગો ગાર્સિયા જેવા અતિ સંવેદનશીલ અમેરિકી લશ્કરી મથકની જાસૂસી કરવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

ચીનના આ પગપેસારાને રોકવા માટે બ્રિટિશ સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાના સંપૂર્ણ સમર્થન અને સંમતિ વિના સાર્વભૌમત્વ ટ્રાન્સફર કરવાના કોઈ પણ કરાર પર આગળ વધશે નહીં.

અમેરિકા શા માટે સીધું મોરેશિયસ સાથે ડીલ કરવા માંગે છે?

અમેરિકા ઈચ્છે તો પણ આ ટાપુઓ સીધા બ્રિટન પાસેથી ખરીદી શકે તેમ નથી કારણ કે વૈશ્વિક કાયદા (UN અને ICJ) મુજબ બ્રિટન તેનો કાયદેસરનો માલિક નથી. જો અમેરિકા બ્રિટન પાસેથી આ ટાપુઓ ખરીદે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે ખરીદી ‘અમાન્ય’ ગણાશે અને ભવિષ્યમાં મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી થશે.

તેથી ટ્રમ્પ વહીવટીતંત્રની ગણતરી એવી છે કે અમુક શરતો સાથે આ ટાપુઓ પર મોરેશિયસના સાર્વભૌમત્વને સ્વીકારી લેવાય અને પછી સીધા મોરેશિયસ સાથે ડીલ કરીને આ આખા પ્રદેશને હંમેશાં માટે અમેરિકાના નિયંત્રણમાં લઈ લેવામાં આવે. આમ કરવાથી બ્રિટનની દખલગીરી પણ સમાપ્ત થશે અને ચીન માટે ટાપુઓ પર આવવાના તમામ રસ્તા કાયમ માટે બંધ થઈ જશે.

સોદો પાર પડશે તો શું?

ટ્રમ્પની ચાગોસ ટાપુઓ ખરીદવાની આ વ્યૂહરચના ભલે અત્યારે પ્રાથમિક તબક્કામાં હોય, પરંતુ તે સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા હવે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય નિર્ણયો માટે સાથી દેશોની મંજૂરીની પણ રાહ જોવા માંગતું નથી. જો આ સોદો પાર પડશે તો તે માત્ર બ્રિટન-અમેરિકાના સંબંધોના સમીકરણો જ નહીં, પરંતુ સમગ્ર એશિયા-પેસિફિક અને હિંદ મહાસાગર ક્ષેત્રના લશ્કરી સંતુલનને કાયમ માટે બદલી નાખશે.



Source link

Related Articles

Back to top button