VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન ક્રેશ: ટેક-ઓફ વખતે ફંગોળાયા બાદ વિમાન અગનગોળો બન્યું | Private Gulfstream G200 Jet Crashes During Takeoff in Dominican Republic

![]()
Private Gulfstream G200 Jet Crashes | ડોમિનિકન રિપબ્લિકના પૂર્વીય ભાગમાં આવેલા લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને સનસનાટીભરી દુર્ઘટના સામે આવી છે. અહીં રવિવારે (7 જૂન) એક પ્રાઇવેટ પ્લેન ટેક-ઓફ કરતી વખતે અચાનક રનવે પર જ ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોતજોતામાં આખું વિમાન આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું હતું અને માત્ર ગણતરીની મિનિટોમાં જ બળીને ખાખ થઈ ગયું હતું. નેશનલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ કરૂણ અકસ્માતમાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટ બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
હવામાં ઘણી વાર ઉછળ્યું અને પછી બ્લાસ્ટ થયો
આ ભયાનક પ્લેન ક્રેશનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિમાન જ્યારે ટેક-ઓફ માટે રનવે પર ઝડપથી દોડી રહ્યું હતું, ત્યારે તેના વ્હીલ્સ (પૈડાં) રનવે સાથે અથડાતાં જ તે અચાનક અનિયંત્રિત થઈ ગયું હતું. સંતુલન ખોરવાયા પછી વિમાન હવામાં જ વંટોળની જેમ બે-ત્રણ વાર જોરથી ઉછળ્યું હતું અને ત્યારબાદ તેમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં તે આગની જવાળાઓમાં ઘેરાઈ ગયું હતું. અન્ય એક વીડિયોમાં ક્રેશ થયેલા પ્લેનમાંથી કાળો કદાવર ધુમાડો આકાશ તરફ ઉડતો નજરે પડે છે.
વિમાનમાં કોઈ પેસેન્જર સવાર નહોતા
ડોમિનિકન સિવિલ એવિએશન ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર નિવેદન મુજબ, દુર્ઘટનાનો ભોગ બનેલું વિમાન ‘ગલ્ફસ્ટ્રીમ G200 જેટ’ (Gulfstream G200 Jet) તરીકે ઓળખાયું છે. સદનસીબે આ વિમાનમાં કોઈ મુસાફરો સવાર નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બંને પાયલોટોને બચાવી શકાયા નથી. પ્રાથમિક વિગતો મુજબ, આ વિમાન પ્યુર્ટો રિકોથી ડોમિનિકન રિપબ્લિક પહોંચ્યું હતું. અહીં એરપોર્ટ પર તેમાં ફ્યુઅલ (બળતણ) ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે અમેરિકાના ઓસ્ટિન જવા માટે રવાના થઈ રહ્યું હતું, ત્યારે જ આ કાળચક્ર ફરી વળ્યું હતું.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ
એવિએશન વિભાગના અહેવાલો અનુસાર, લા રોમાના એરપોર્ટથી આશરે 16 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં વિમાને કટોકટીની સ્થિતિ જોઈને ‘ઇમરજન્સી એલર્ટ’ પણ જાહેર કર્યું હતું, પરંતુ પાયલોટ પ્લેન પર કાબૂ મેળવે તે પહેલા જ તે રનવે પર ખાબક્યું હતું. એરપોર્ટ ઓથોરિટી અને બચાવ ટુકડીઓએ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ ટેકનિકલ ખામી કયા કારણે સર્જાઈ અને પ્લેન શા માટે અસંતુલિત થયું, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.



