ટ્રમ્પની એઆઇ પોલિસીને તૈયાર કરનારા કૃષ્ણન રાજીનામું આપશે | Krishnan who prepared Trump’s AI policy will resign

![]()
ભારતીય મૂળના કૃષ્ણને અમેરિકાનો એઆઇ એક્શન પ્લાન ઘડયો
મને વ્હાઇટ હાઉસમાં આગળી હરોળમાં રહીને નિર્ણયો લેવાની તક મળી હવે એઆઇના પડકારો પર સ્વતંત્ર કામ કરીશ : કૃષ્ણન
વોશિંગ્ટન: અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇના સલાહકાર શ્રીરામ કૃષ્ણને પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે. સાથે જ કહ્યું છે કે હું માત્ર જૂન મહિના સુધી જ આ પદ પર સેવા આપી શકીશ પછી તેને છોડી દઇશ. પોતાના ૧૮ મહિનાના કાર્યકાળ દરમિયાન શ્રીરામ કૃષ્ણને અમેરિકા માટે એઆઇનો પુરો એક્શન પ્લાન તૈયાર કરી આપ્યો છે.
અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક રાષ્ટ્રીય સ્તરની ફ્રેમવર્ક તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા ૪૨ વર્ષીય શ્રીરામ કૃષ્ણન મૂળ ચેન્નાઇના છે.
તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સીનિયર પોલિસી એડવાઇઝર તરીકે રાજીનામુ આપવા જઇ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં હું આ પદ છોડી દઇશ, વિરામ બાદ હું એઆઇ પર અમેરિકા જે પણ પડકારોનો સામનો કરશે તેને લઇને કામ કરીશ.
અમેરિકાની સરકાર દ્વારા એઆઇ પર નિયંત્રણો લાદવા માટે જે નીતિઓ ઘડવામાં આવી તેમાં પણ કૃષ્ણને મહત્વનું યોગદાન આપ્યું હતું, વ્હાઇટ હાઉસમાં કૃષ્ણનના સાથી ડેવિડે કહ્યું હતું કે કૃષ્ણનની સાથે કામ કરવું મારા માટે ગૌરવ સમાન છે. જ્યારે કૃષ્ણને કહ્યું હતું કે છેલ્લા ૧૮ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન મને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું, મે હવે એક એવી ઇન્સ્ટિટયૂશનની સ્થાપવા કરવાનું વિચાર્યું છે કે જે અમેરિકા અને તેના સાથી દેશો હાલ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો સામનો કરવામાં મદદરૂપ થઇ શકે. આ પહેલા તેઓ ફેસબુક અને ટ્વિટરમાં પણ કામ કરી ચુક્યા છે.



