ઇરાન યુદ્ધમાંથી અમેરિકી કંપનીઓને કમાણી : રશિયન CEOએ ખોલી પોલ | US companies profit from Iran war: Russian CEO opens poll

![]()
– વોશિંગ્ટન, વૈશ્વિક ઊર્જા બજારને પોતાનાં હિત પ્રમાણે ઢાળી રહ્યું છે
– રશિયાની સૌથી મોટી તેલ કંપનીઓ પૈકી રોસનેફટના પ્રમુખ ઇગોર સેચિને કહ્યું કે હોર્મુઝ બંધ થતાં અમેરિકી તેલ કંપનીઓને ચાંદી ચાંદી છે
નવી દિલ્હી : ઇરાન યુધ્ધ અને હોર્મુઝ સંકટ વચ્ચે રશિયાની તેલ કંપની રોસનેફટના પ્રમુખ ઇગોર સેંચિને અમેરિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓ કહે છે કે, આ તેલ સંકટનો સૌથી વધુ ફાયદો અમેરિકી ઊર્જા કંપનીઓને થયો છે અને વોશિંગ્ટન, વૈશ્વિક ઉર્જા-બજારને પોતાના હિત પ્રમાણે ઢાળી રહ્યું છે.
સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતાં સેચિને કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ થવી તે માત્ર ઇરાન વિરૂધ્ધની કાર્યવાહી ન હતી, પરંતુ તેની અસર સમગ્ર દુનિયાને આંચકો આપ્યો છે. તેમાં અમેરિકાએ રણનીતિનું જોખમનું યોગ્ય આકલન ન કર્યું. પરિણામે વૈશ્વિક અર્થવ્યવસ્થાએ સહન કરવું પડયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, હોર્મુઝ દુનિયાના મહત્વના સમુદ્રીય વ્યાપાર પૈકીનું એક છે. તે દ્વારા વૈશ્વિક જરુરિયાતની ચીજોનો પૂરવઠો આ સમુદ્ર-માર્ગ પર આધારિત છે. ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થતાં આ માર્ગ ઉપર સંકટ પેદા થયું. તેથી તેલની કિંમત કેટલાએ વર્ષોના ઉચ્ચતમ સ્તરે પહોંચી.
અમેરિકા ઉપર સીધા જ પ્રહારો કરતાં રશિયન સીઈઓએ કહ્યું કે, હોર્મુઝ-સ્ટ્રેઇટસ બંધ કરવાની સ્થિતિ વૈશ્વિક ઉર્જા બજારના નિયમો અમેરિકાના પક્ષમાં વાળવાનો પ્રયત્ન છે. તેનો હેતુ ઇરાન પર દબાણ કરવાનો હતો, પરંતુ તેની અસર સમગ્ર દુનિયા પર પડી છે.
રોસનેફટના પ્રમુખે ચેતવણી આપી છે કે, જો વર્તમાન તંગદીલી ચાલુ રહેશે તો દુનિયાના અન્ય મહત્વના સમુદ્રી માર્ગ પણ જોખમમાં આવી જશે. તે માર્ગોની રુકાવટ વૈશ્વિક વ્યાપાર અને ઉર્જા આપૂર્તિ માટે નવા પડકારો ઊભા કરશે.
પોતાના સંબોધનમાં સેચિને ઓપેક-પ્લસની સ્થિતિ અંગે પણ ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે તેમનું તેલ ઉત્પાદન રોજના ૫૮ મિલિયન બેરલમાંથી ઘટી ૩૭ મિલિયન બેરલ પ્રતિદિન થઈ ગયું છે. તેથી પણ તેલની કિંમત વધી રહી છે. સાથે આશા વ્યક્ત કરી કે, ઉત્પાદન વધારવા ઓછામાં ઓછી ૧૦ ટ્રિલિયન રૂબલના રોકાણની જરુર છે. ઓપેક દેશો તે માટે રશિયાને સાથ આપે તો સારું.



