શી-જિનપિંગ આગામી સપ્તાહે ઉત્તર કોરિયાની મુલાકાતે જશે : અમેરિકા તથા રશિયા બંનેને સંદેશો | Xi Jinping to visit North Korea next week: Message to both America and Russia

![]()
– ઉ.કોરિયા માટે રાજકીય અને આર્થિક સહાયનું ચીન સૌથી મોટું સોર્સ છે તે તેનો ૯૫% વ્યાપાર ચીન સાથે કરે છે. તેની ૮૫% નિકાસ ચીનમાં જ થાય છે
નવી દિલ્હી : ચીનના પ્રમુખ શી-જિનપિંગ આગામી સપ્તાહે ઉત્તર કોરિયાની મુલાકાતે જશે. ચીનની સરકારી ચેનલે જણાવ્યું છે કે પ્રમુખ શી-જિનપિંગ ૮ થી ૯ જૂન ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ-જોંગ-ઉનનાં નિમંત્રણથી ઉત્તર કોરિયા જઈ રહ્યા છે. તેઓની આ મુલાકાત સવિશેષ છે. કારણ કે, સાત વર્ષોમાં પહેલી વાર તેઓ ઉત્તર કોરિયા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચીન પોતાની કૂટનીતિક તાકાત વધારી રહ્યું છે. અને જિનપિંગની આ મુલાકાત, ઉચ્ચસ્તરીય બેઠકોની સીરીઝનો આ પહેલો ભાગ છે. આ વર્ષની તેઓની આ પહેલી વિદેશયાત્રા બની રહેશે. ગયા મહિને તેઓએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિનને બોલાવી તેમની સાથે મંત્રણા કરી હતી.
શી જિનપિંગ છેલ્લા સપ્ટે. ૨૦૨૫માં કીમ-જોંગ-ઉનને મળ્યા હતા. તે સમયે તેઓએ ઉન તથા પુતિન બંનેને બૈજિંગમાં યોજાયેલી એક સૈન્ય પરેડમાં અતિથિ વિશેષ તરીકે બોલાવી સન્માનિત કર્યા હતા. તે પૂર્વે ૨૦૧૯માં શી જિનપિંગ અને તેઓનાં પત્ની પેંગ લિયુઆનનું ઉત્તર કોરિયામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. તે સમયે બંને દેશોની અતૂટ મૈત્રીનું જશ્ન ઉજવવામાં આવ્યું હતું. આ પૂર્વે ૨૦૦૫માં હૂ-જિન તાઓ ઉ. કોરિયા ગયા હતા.
ઉત્તર કોરિયા માટે રાજકીય અને આર્થિક સહાયનું ચીન સૌથી મોટું સોર્સ છે. તેનો ૯૫% વ્યાપાર ચીન સાથે થાય છે. તેની ૮૫% નિકાસ પણ ચીનમાં થાય છે.
વાસ્તવમાં ઉત્તર-કોરિયા રાજદ્વારી દ્રષ્ટિએ, દુનિયાના સૌથી અલગ પડી ગયેલા દેશો પૈકીનો એક દેશ છે. તેની ઉપર અનેક પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે. અત્યારે ઉ.કોરિયા રશિયાની વધુ નજીક આવ્યું છે. ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યા પછી કિમ-જોંગ-ઉને રશિયાની સહાયમાં હજ્જારો સૈનિકો મોકલ્યા હતા અને શસ્ત્ર-સરંજામ પણ મોકલ્યો હતો. તેના બદલામાં રશિયા તેને આર્થિક સહાય ઉપરાંત ટેકનીકલ સહાય પણ કરતું હતું. તેમજ રશિયન વિજ્ઞાાનીઓ તેને પરમાણુ બોમ્બ બનાવવામાં સહાય કરતા હતા.



