બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ | India Bangladesh Border Tension Escalates Over Alleged Forced Push In of Migrants

![]()
India Bangladesh border dispute: પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ અને સરકારની નીતિઓને કારણે બાંગ્લાદેશથી આવેલા પ્રવાસીઓ હવે સરહદ તરફ પરત ફરી રહ્યા છે. સરહદ પર આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જોઈને બાંગ્લાદેશ અકળાયું છે. બાંગ્લાદેશે હવે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે કે ભારત ગેરકાયદેસર પ્રવાસીઓને જબરદસ્તીથી બાંગ્લાદેશની સરહદમાં ધકેલી રહ્યું છે. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર ગંભીર રાજદ્વારી અને સૈન્ય તણાવ પેદા થયો છે.
બાંગ્લાદેશના ભારતીય સુરક્ષા દળો પર આક્ષેપો
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(BGB)નો દાવો છે કે ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં ઘણી વખત ગેરકાયદેસર પ્રવાસીઓને જબરદસ્તીથી સરહદ પાર કરાવવાની કોશિશ કરી છે. બાંગ્લાદેશી સેનાના જણાવ્યા પ્રમાણે, સરહદના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોને ગેરકાયદેસર રીતે ઘુસાડવાના ભારતીય અધિકારીઓના ઓછામાં ઓછા 10 પ્રયાસો તેમણે નિષ્ફળ બનાવ્યા છે. બાંગ્લાદેશના આ ગંભીર આક્ષેપોને કારણે છેલ્લા થોડા મહિનાઓથી બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે થઈ રહેલા રાજદ્વારી પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.
સરહદની સુરક્ષા હંમેશાં એક મોટો પડકાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4000 કિલોમીટરથી પણ લાંબી આંતરરાષ્ટ્રીય જમીની સરહદ છે, જે દુનિયાની સૌથી લાંબી સરહદોમાંની એક છે. આ સરહદ નદીઓ, પર્વતો અને ગીચ જંગલો જેવા અત્યંત મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાંથી પસાર થાય છે. આ જ કારણે આખી બોર્ડર પર ચોક્કસ ઘેરાબંધી કરવી કે ચોવીસે કલાક કડક દેખરેખ રાખવી એ બંને દેશોના સુરક્ષા દળો માટે હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે.
ભારતીય પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહીં
બાંગ્લાદેશી બોર્ડર ગાર્ડના આરોપો પર અત્યાર સુધી નવી દિલ્હી તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF) અને વિદેશ મંત્રાલયે આ મામલે પૂછવામાં આવેલા પ્રશ્નો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, ભારતના સરહદી રાજ્યો જેવા કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને અસમમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવાસીઓ અને ઘૂસણખોરીની સમસ્યાને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ કરતી આવી છે.
બાંગ્લાદેશની કડક સૈન્ય ચેતવણી અને ભારતની અગાઉની માગ
આ વિવાદ વચ્ચે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે(BGB) કડક ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ કે જૂથને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય નિયમો અને બંને દેશો વચ્ચેના કરારોનું ઉલ્લંઘન કરનારા તમામ પ્રયાસોનો પૂરી તાકાતથી વિરોધ કરાશે. બીજી તરફ, ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે તેમણે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે 2860થી વધુ શંકાસ્પદ લોકોની નાગરિકતા તપાસવા માટે બાંગ્લાદેશને વિનંતી કરી હતી. પરંતુ, કાનૂની પદ્ધતિના બદલે સરહદ પર થઈ રહેલી આ ખેંચતાણને કારણે અત્યારે જમીની પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે.
આ પણ વાંચો: ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
કાનૂની પદ્ધતિઓ અપનાવવા ઢાકાનો આગ્રહ
બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને ત્યાંના રાજદ્વારીઓએ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને તેમની વાપસી માટે એક ચોક્કસ કાનૂની અને રાજદ્વારી માળખું પહેલેથી જ અસ્તિત્વમાં છે. ઢાકાનું સ્પષ્ટ કહેવું છે કે જો ભારતમાં કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રહેતી હોય અને તે ખરેખર બાંગ્લાદેશી નાગરિક સાબિત થાય, તો તેને સ્થાપિત આંતરરાષ્ટ્રીય નિયમો અને સત્તાવાર રાજદ્વારી ચેનલો દ્વારા જ પરત મોકલવી જોઈએ, નહીં કે બિનસત્તાવાર રીતે સરહદ પાર કરાવીને.
તણાવ ઓછો કરવા જૂન મહિનામાં યોજાશે હાઇ-લેવલ બેઠક
બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ અને વિવાદને ઉકેલવા માટે હવે લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાતચીતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંવેદનશીલ મુદ્દાને દિલ્હીમાં યોજાનારી બંને દેશોના સરહદી દળોના વડા (ડીજી) સ્તરની બેઠકમાં મુખ્યત્વે ઉઠાવવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય બેઠક 8થી 11જૂન દરમિયાન યોજાશે. આ બેઠકમાં ભારતના BSF અને બાંગ્લાદેશના BGBના ટોચના અધિકારીઓ સામસામે બેસીને બોર્ડર મેનેજમેન્ટ, ઘૂસણખોરી અને ‘પુશ-ઇન’ (જબરદસ્તીથી સરહદ પાર કરાવવી) જેવા ગંભીર મામલાઓ પર પોતપોતાના રિપોર્ટ રજૂ કરશે.



