વેનેઝૂએલાનાં કાર્યકારી પ્રમુખની વિદેશ મંત્રી જયશંકર સાથે મંત્રણા : સહકાર વધારવા નિર્ણય | Venezuela’s acting president holds talks with S Jaishankar: Decision to increase cooperation

![]()
– ડેલ્સી રોડ્રીગ્સ પાંચ દિવસ ભારતમાં રહેશે
– રોડ્રીગ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મંત્રણા કરશે : તેમની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ છે : તેલ સમુદ્ધ દેશના વડાની મુલાકાત મહત્ત્વની છે
નવીદિલ્હી : વિશ્વમાં સૌથી વધુ તેલનો ભંડાર ધરાવતા દેશનાં કાર્યકારી પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સ ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યાં છે. તેઓએ ગુરૂવારે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાનાં છે.
દરમિયાન એક શુભ સમાચાર પણ પ્રાપ્ત થયા છે કે ડેલ્સી રોડ્રીગ્સનાં કાર્યકારી પ્રમુખ પદને વેનેઝૂએલાની સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્ય માન્યું છે.
ડેલ્સી રોડ્રીગ્સની સાથે એક પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે. જેમાં ઉચ્ચ સ્તરીય રાજપુરૂષો, રાજકીય નેતાઓ ઉપરાંત વેનેઝૂએલાના મોટા ઉદ્યોગપતિઓ પણ છે. આ ઉદ્યોગપતિઓ ભારતની અગ્રીમ ઉદ્યોગપતિઓ સાથે મંત્રણા કરવાના છે અને વેનેઝૂએલામાં ઉદ્યોગો સ્થાપવા વિષે પણ તેઓ વચ્ચે મંત્રણા થવાની છે.
આ તેલ સમુદ્ધ રાષ્ટ્રની સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધી ભારત પોતાની ઊર્જા મુશ્કેલીઓમાંથી માર્ગ શોધી રહ્યું છે. તે કહેવાની પણ જરૂર નથી.
તે હવે સર્વસ્વીકૃત બની ગયું છે કે ભારત ગ્લોબલ સાઉથમાં નેતા પદે છે. વેનેઝૂએલા પણ ગ્લોબલ સાઉથમાં જ આવે છે. આ બધું લક્ષ્યમાં રાખી વિદેશમંત્રી જયશંકરે તેમની રોડ્રીગ્સ સાથેની મંત્રણામાં ભારત અને વેનેઝૂએલાના સદીઓ જૂના સંબંધો તાજા કરવા સાથે બંને દેશો વચ્ચેની મૈત્રી માત્ર ઔપચારિક નથી, તે મૈત્રી વ્યાપાર વૃદ્ધિ, ઊર્જા ક્ષેત્ર અને ગ્લોબલ સાઉથનાં હિતોને આગળ ધપાવવામાં સહકારથી કાર્ય કરવા ઉપર ભાર મુક્યો હતો. બંને નેતાઓ વચ્ચે ઊર્જા (તેલ) વિશે તો મંત્રણા થઈ જ હતી. ઉપરાંત વ્યાપાર, આરોગ્ય ક્ષેત્ર, ટેક્નોલોજી, વાહન-વ્યવહાર અને રીન્યુએબલ એનર્જી વિષે પણ ચર્ચા થઈ હતી તેમજ અન્ય ખનિજ-વિશેષત: રેર-અર્થસ્ વિષે મંત્રણા થઈ હતી.



