મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે | iran supreme leader ayatollah ali khamenei funeral plan announced

![]()
Ayatollah Ali Khamenei Funeral: અમેરિકાના હુમલામાં જીવ ગુમાવનારા ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ માટે (Ayatollah Ali Khamenei funeral) ત્રણ દિવસના દફનવિધિની જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે આ દફનવિધિ કાર્યક્રમ તેમના મોતના ઘણા મહિનાઓ બાદ આયોજિત કરવામાં આવશે, કારણ કે અગાઉ તેમને દફનાવવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે મંગળવારે અધિકારીઓએ ખામેનેઈના દફનવિધિની સંપૂર્ણ માહિતી જારી કરી. આ જનાઝામાં લગભગ 2 કરોડ જેટલા લોકો સામેલ થાય તેવી શક્યતા છે.
ઈરાને શું જણાવ્યું?
ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર IRIBના જણાવ્યા પ્રમાણે તેહરાનના સાંસ્કૃતિક અને સામાજિક બાબતોના ડેપ્યુટી મેયર મોહમ્મદ અમીન તવાકોલી-ઝાદેહે જણાવ્યું છે કે, ‘”શહીદ ઈમામ”ની અંતિમ વિદાય, દફનવિધિ અને દફનવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ આયોજન અંતર્ગત તેહરાન, કોમ અને મશહદમાં ત્રણ દિવસ સુધી જાહેર કાર્યક્રમો અને જુલૂસ કાઢવામાં આવશે.’ જો કે, તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે, દફનવિધિ કઈ તારીખે થશે, પરંતુ તેમનું કહેવું છે કે આ વિધિ ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમની શરૂઆતમાં થઈ શકે છે, જે જૂનના મધ્યમાં આવે છે.
તવાકોલી-ઝાદેહે જણાવ્યું કે, ‘તેહરાનમાં દફનવિધિનો કાર્યક્રમ ઓછામાં ઓછો 24 કલાક સુધી ચાલશે. રાજધાનીમાં લગભગ 2 કરોડ લોકોના સામેલ થવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંતિમ કાર્યક્રમના ચોક્કસ સ્થળ અંગે હજુ નિર્ણય લેવાઈ રહ્યો છે. આ માટે તેહરાનનું મુસલ્લા (ગ્રાન્ડ પ્રેયર્સ હોલ) અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક ઈમામ ખુમેનીનો મકબરો એમ બે સંભવિત સ્થળો વિચારણા હેઠળ છે.
તવાકોલી-ઝાદેહે વધુમાં જણાવ્યું હતું કે, તેહરાનમાં અંતિમ યાત્રાનો કાર્યક્રમ ઓછામાં ઓછો 24 કલાક ચાલે તેવી સંભાવના છે. ત્યારબાદ ખામેનેઈના પાર્થિવ દેહને પવિત્ર શહેર કોમ અને ત્યાંથી મશહદ લઈ જવામાં આવશે, જ્યાં આ પ્રકારના જ કાર્યક્રમો યોજાશે. સંબંધિત અધિકારીઓની ભલામણને આધારે આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈને અંતિમ રૂપે મશહદ શહેરમાં આવેલી ઈમામ રઝા (અ.સ.)ની પવિત્ર દરગાહમાં દફનાવવામાં આવશે.
આટલો વિલંબ કેમ?
ઈસ્લામિક પરંપરા પ્રમાણે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મોતના ગણતરીના દિવસોમાં જ તેના દફનવિધિ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહી દરમિયાન પોતાના નિવાસસ્થાન પર થયેલા હુમલામાં આયતુલ્લા ખામેનેઈ માર્યા ગયા હતા. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઈરાનના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ખામેનેઈના દફનવિધિ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે આવી વિશાળ જનમેદની માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવી અત્યંત પડકારજનક છે.
જ્યારે આયતુલ્લા ખામેનેઈનું મોત થયું ત્યારે તેમની ઉંમર 86 વર્ષની હતી. તેમના મોતની સાથે જ ઈરાનના સુપ્રીમ લીડર તરીકેનો તેમનો ત્રણ દાયકા કરતાં પણ વધુ લાંબો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. તેમના મોત બાદ તેમના પુત્ર આયતુલ્લા મોજતબા ખામેનેઈને તેમના ઉત્તરાધિકારી (નવા સુપ્રીમ લીડર) તરીકે ચૂંટવામાં આવ્યા છે.



