ઇરાન સાથે એક સપ્તાહમાં સમજૂતી સધાવાની ટ્રમ્પને આશા : છતાંયે બંને દેશો પરસ્પર મિસાઇલ છોડે છે | Trump hopes to reach agreement with Iran within week Yet both countries fire missiles at each other

![]()
– ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે : ઇરાન સાથે એવી સમજૂતી થશે કે, બંને દેશો વચ્ચે સીઝ-ફાયર થશે, હોર્મુઝ પણ ખોલવામાં આવશે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેમને વિશ્વાસ છે કે આગામી એક સપ્તાહમાં જ ઇરાન સાથે સમજૂતી થઈ જશે કે જેમાં બંને દેશો વચ્ચે યુધ્ધ- વિરામ લંબાઈ શકશે અને હોર્મુઝ- સ્ટ્રેઇટસ પણ ખૂલી જશે. તેથી ત્યાંથી જહાજોની આવજા ફરી સામાન્ય થઇ જશે.
એક તરફ ટ્રમ્પ આવો આશાવાદ વ્યકત કરે છે તો બીજી તરફ બંને દેશો વચ્ચે મિસાઇલવાળી ચાલુ રહી છે. ઇરાની સેનાએ ઇરાક સામે એક કાર્ગો જહાજ ઉપર મિસાઇલ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકી સેનાએ કહ્યું છે કે, ઇરાને, કુવૈત- સ્થિત અમેરિકી બેઝ ઉપર બે મિસાઇલ્સ એક દિવસ પહેલા જ છોડયા હતા.
એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં આ પ્રમાણે કહેવા સાથે ટ્રમ્પે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હજી સુધી તેમણે તે અંગેના મેમોરેન્ડ-ઓફ- અન્ડર સ્ટેન્ડીંગ (એમઓયુ) ઉપર સહી કરી નથી. આ સમજૂતી હોર્મુઝ જળ માર્ગ પૂરેપૂરો ખોલવા માટે છે, પરંતુ હજી કેટલાક પોઇન્ટસ પર સમજૂતી કરવાની બાકી છે.
ટ્રમ્પનું સકારાત્મક વલણ સોમવારે તેમણે આપેલા એક અન્ય નિવેદન પછી આવ્યું છે કે જેમાં તેઓએ કહ્યું હતું કે ઇરાન સાથેની મંત્રણા ઝડપભેર આગળ વધી રહી છે. પરંતુ સત્ય હકીકત તે છે કે, બંને દેશો વચ્ચે ગોળીબારો અને મિસાઇલ્સ સામસામા છોડવામાં આવી રહ્યા છે.
એક તરફ મંત્રણાની વાતો ચાલે છે તો બીજી તરફ સામસામી મિસાઇલવાળી ચાલે છે. તેથી ભય તો તે છે કે બંને દેશો વચ્ચેની મંત્રણા પાટા ઉપરથી ક્યાંક ખડી ન પડે.



