લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ! | israel hezbollah lebanon conflict update

![]()
Israel-Hezbollah conflict persists despite US-brokered de-escalation claims : મિડલ ઈસ્ટમાં સતત શાંતિ વાટાઘાટો છતાં ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આજે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈઝરાયલ અને લેબેનોન એકબીજા પર હુમલા નહીં કરે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ટ્રમ્પના દાવા મુજબ, હિઝબુલ્લાહે હુમલા ન કરવાનું વચન આપ્યું છે અને ઈઝરાયલ બેરૂત પરના હુમલા અટકાવવા સહમત થયું છે. તેમ છતાં, દક્ષિણ લેબનાનમાં સૈન્ય કાર્યવાહી હજુ પણ ચાલુ છે.
ઈઝરાયલે અમેરિકાને બતાવ્યો ઠેંગો?
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે. ઈઝરાયલની સેના દક્ષિણ લેબેનોનમાં ઝાહરાની નદી તરફ આગળ વધી રહ્યા છે, જે છેલ્લા 25 વર્ષમાં તેમનું સૌથી મોટું આક્રમણ છે. નેતન્યાહુના નિવેદનમાં ક્યાંય સીઝફાયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
હિઝબુલ્લાહના લીડર હસન ફદલલ્લાહે જણાવ્યું છે કે તેઓ સંપૂર્ણ સીઝફાયર માટે તૈયાર છે, પરંતુ તે પહેલા ઈઝરાયલે પીછેહઠ કરવી પડશે.
ઈઝરાયલના વિરોધમાં ઉતર્યું ફ્રાન્સ
ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે લેબનાનમાં ઈઝરાયલના કબજાની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે આ પ્રકારના સૈન્ય ઓપરેશનને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં.
ઈરાનની પણ અમેરિકાને ધમકી
બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સએ ચેતવણી આપી છે કે જો લેબેનોન અને ગાઝામાં ‘રેડ લાઈન’ ઓળંગવામાં આવશે, તો તે સીધા યુદ્ધ સમાન ગણાશે. આ તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી છે, જ્યાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.
અમેરિકામાં ફરી યોજાશે વાટાઘાટો
આટલું જ નહીં ટૂંક સમયમાં જ અમેરિકાના વોશિંગ્ટનમાં ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે વાટાઘાટોનો ચોથો રાઉન્ડ યોજાવાનો છે. આ સંવાદ શાંતિ તરફ દોરી જશે કે તણાવમાં વધારો કરશે તે જોવું રહ્યું.
ટ્રમ્પે નેતન્યાહૂને અપશબ્દો કહ્યા
અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન પર બરાબરના ભડક્યા છે. ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે નેતન્યાહૂને “પાગલ” કહ્યા હતા અને તેમની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, તું પાગલ થઈ ગયો છે! જો હું ન હોત તો તું અત્યારે જેલમાં હોત. હું તને બચાવી રહ્યો છું. અત્યારે સૌ કોઈ તને ધિક્કારે છે અને ઈઝરાયલને નફરત કરી રહ્યું છે.



