दुनिया

શાંતિ વાર્તામાં ડખો ! ઈઝરાયલની કરતૂતથી ભડક્યું ઈરાન, દુનિયાનો શ્વાસ બંધ કરી દેવાની આપી ધમકી | Iran Halts US Peace Talks Blaming Netanyahu Actions At Lebanon Beaufort Castle



Israel-Iran Conflict : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યા છે. જોકે હવે ઈઝરાયલની કરતૂતે પ્રાયસો પર પાણી ફેરવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.વાસ્તવમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એક આક્રમક નિર્ણયે આખી શાંતિ વાર્તાને પલટી નાખી છે. ઈઝરાયલી સેનાએ લેબનાનની સરહદમાં ઘૂસીને ઊંચાઈ પર આવેલો 1000 વર્ષ જૂનો ઐતિહાસિક બીફોર્ટ કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો છે. નેતન્યાહૂ ભલે તેને પોતાની સેનાની બહાદુરીનું પ્રતીક ગણાવી રહ્યા હોય, પરંતુ આ એક જ પગલાએ અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં મોટો ડખો ઊભો કર્યો છે. ઈઝરાયલની આ કરતૂતથી ભડકેલા ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી લેબનાન અને ગાઝામાં હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ જ વાતચીત કરવામાં નહીં આવે.

ઈરાનની ધમકીથી વિશ્વ પર ફરી સંકટ

ઈરાનનો આ ગુસ્સો માત્ર વાતચીત બંધ કરવા પૂરતો સીમિત નથી, પરંતુ તેણે વૈશ્વિક સ્તરે આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી મોટી ધમકી આપી છે. ઈરાન અને તેના સહયોગી સંગઠનોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે સૌથી મહત્વના ગણાતા સમુદ્રી માર્ગો, જેવા કે હોર્મુજની ખાડી અને બાબ અલ-મંડેબ જળમાર્ગને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો આ દરિયાઈ માર્ગો બંધ થશે તો દુનિયાભરમાં તેલની કિંમતો આસમાને પહોંચશે અને વૈશ્વિક વ્યાપાર ઠપ થઈ જશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન પોતે શાંતિ કરાર માટે બેચેન છે અને માત્ર થોડા મુદ્દાઓ પર જ વાત અટકેલી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં રાત્રિના 8.30 પછી દુકાનો બંધ : મેરેજ હૉલ, બેકરી રાત્રિના 10 પછી બંધ રખાશે

લેબનાનમાં ભયંકર તબાહી

વાસ્તવમાં આ સમગ્ર વિવાદની પાછળ ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ છે. વર્ષ 2023માં ગાઝા જંગની શરૂઆત સાથે જ હિઝબુલ્લાહે ઉત્તરી ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા હતા. વર્ષ 2024 ના અંતમાં અમેરિકાની મદદથી થોડો સમય યુદ્ધ વિરામ રહ્યો, પણ માર્ચ 2025થી આ લડાઈ ફરી હિંસક બની ગઈ છે. હિઝબુલ્લાહ ફાઈબર ઓપ્ટિક કેબલથી ચાલતા આધુનિક ડ્રોન વડે હુમલા કરી રહ્યું હોવાનો દાવો કરીને ઈઝરાયલે લેબનાનમાં મોટું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. આ જંગમાં લેબનાનની અંદર ભયંકર તબાહી મચી છે, જેમાં અત્યાર સુધીમાં 3300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 10 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે.

દુનિયા પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા

લેબનાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર સીધી સૈન્ય વાર્તા શરૂ થઈ હતી, જેમાં સેના હટાવવા અને હિઝબુલ્લાહના હથિયારો હેઠા મુકવા અંગે ચર્ચા થવાની હતી. પરંતુ નેતન્યાહૂની આ સૈન્ય કાર્યવાહી બાદ હવે આખી શાંતિ પ્રક્રિયા જોખમમાં મુકાઈ ગઈ છે. ઈઝરાયલના પોતાના રક્ષણ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે માત્ર સૈન્ય તાકાતથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તેના માટે રાજકીય રસ્તો જ શોધવો પડશે. હાલ તો નેતન્યાહૂના એક નિર્ણયે ઈરાનને વધુ ઉશ્કેરી દીધું છે અને આખી દુનિયા પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઇરાનના પ્રમુખ પેઝેશ્કીયાને ત્યાગપત્ર આપ્યું ? IRGC સાથે અણબનાવ



Source link

Related Articles

Back to top button