राष्ट्रीय

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill stations manali rohtang nainital traffic jams




Summer Rush Hill Stations 2026: ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. આવા સમયે ગરમીથી રાહત મેળવવા માટે લાખો લોકો પહાડી વિસ્તારો તરફ દોડી રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલી અને રોહતાંગથી લઈને ઉત્તરાખંડના નૈનીતાલ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, ઓલી અને જોશીમઠ સુધી આ સમયે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની રૅકોર્ડબ્રેક ભીડ જોવા મળી રહી છે. જો કે, આ વધતી ભીડ હવે સ્થાનિક વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની રહી છે. પ્રવાસન સ્થળો પર હોટલો હાઉસફૂલ થઈ ગઈ છે, પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

મનાલી-રોહતાંગ માર્ગ પર 50 કિમીનું અંતર કાપવામાં 8 કલાક લાગ્યા!

હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પણ રોહતાંગ પાસ ખાતે બરફ જોવાની ઘેલછા લોકોને આકર્ષિત કરી રહી છે. સમુદ્ર સપાટીથી આશરે 13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો રોહતાંગ પાસ આ સમયે બરફની ચાદરથી ઢંકાયેલો છે. પરંતુ વધતી ભીડના કારણે મનાલી-રોહતાંગ રોડની ગતિ થંભી ગઈ છે. શનિવારે આ માર્ગ પર મહાજામ જોવા મળ્યો હતો. 

લોકો રસ્તા પર વાહન મૂકીને જતા રહે છે

પરિસ્થિતિ એવી હતી કે, સવારે 6 વાગ્યે મનાલીથી નીકળેલા પ્રવાસીઓ બપોરે 1થી 2 વાગ્યાની આસપાસ રોહતાંગ પહોંચી શક્યા હતા. સામાન્ય રીતે 50 કિલોમીટરની આ સફર પૂરી કરવામાં પ્રવાસીઓને 7થી 8 કલાકનો સમય લાગી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, મઢીથી ગ્રામફૂ વચ્ચે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રસ્તાના કિનારે વાહનો ઊભા રાખી દે છે, જેથી જામની સ્થિતિ વધુ ગંભીર બને છે.

નૈનીતાલમાં બોટિંગ માટે લાંબી લાઇનો અને કૈંચીધામમાં શ્રદ્ધાળુઓનો જમાવડો

સરોવર નગરી તરીકે પ્રખ્યાત નૈનીતાલમાં પણ પ્રવાસીઓનો ઠઠ ખડકાયો છે. વીકેન્ડ દરમિયાન માલ રોડ, સ્નો વ્યુ, ચિડીયાઘર અને કેવ ગાર્ડન જેવા સ્થળો પ્રવાસીઓથી ખચોખચ હતા. નૈની તળાવમાં બોટિંગનો આનંદ લેવા માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પહાડોની ઠંડી હવા અને ગુલાબી હવામાન લોકોને આકર્ષી રહ્યો છે. આ ભીડના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટે પૂરી ક્ષમતા સાથે ચાલી રહ્યા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ફાયદો થયો છે.

આ પણ વાંચો : શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

કૈચીધામ આશ્રમ સ્થાપના દિવસનો કાર્યક્રમ

બીજી તરફ, બાબા નીમ કરૌલી મહારાજના આશ્રમ કૈંચીધામમાં પણ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. આગામી દિવસોમાં કૈંચીધામ સ્થાપના દિવસના કાર્યક્રમો હોવાથી આગામી સમયમાં અહીં ભીડ હજુ વધવાની આશંકા છે.

ચારધામ યાત્રાનું દબાણ: જોશીમઠમાં 20 કિલોમીટર લાંબો જામ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચારધામ યાત્રા હાલ ચરમસીમા પર છે. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની યાત્રાની સાથે મોટી સંખ્યામાં લોકો ઓલી અને નીતિ-માણા ઘાટી તરફ જઈ રહ્યા છે. આ કારણે જોશીમઠ વિસ્તાર સૌથી વધુ ટ્રાફિકનું દબાણ ઝીલી રહ્યો છે. મારવાડીથી ગોવિંદઘાટ અને જોશીમઠથી સેલંગ સુધીના માર્ગો પર 15થી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. વહીવટીતંત્રે વન-વે સિસ્ટમ લાગુ કરી હોવા છતાં, વાહનોની સંખ્યા એટલી વધારે છે કે લોકોને ગેટ ખુલવા માટે 2થી 3 કલાક સુધી રાહ જોવી પડે છે.

ઊંચાઈવાળા વિસ્તારોમાં હજુ પણ હળવો વરસાદ અને બરફવર્ષા ચાલુ છે, તેમ છતાં ભક્તોની આસ્થા અતૂટ છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં 7.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે, જ્યારે સમગ્ર ચારધામ યાત્રામાં કુલ યાત્રીઓનો આંકડો 24 લાખને પાર કરી ગયો છે.

 ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને તંત્રનો પડકાર

રૅકોર્ડબ્રેક ભીડ વચ્ચે બદ્રીનાથ ધામ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની તબિયત બગડવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોની અતિશય ગરમીમાંથી લોકો સીધા જ ઊંચાઈવાળા ઠંડા વિસ્તારોમાં પહોંચી જાય છે. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ, થાક અને એક્યુટ માઉન્ટેન સિકનેસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, પ્રવાસીઓએ સીધા ઊંચા સ્થળોએ જવાને બદલે થોડો સમય તળેટી વિસ્તારમાં રોકાવું જોઈએ જેથી શરીર વાતાવરણને અનુકૂળ થઈ શકે. વધતી ભીડને જોતાં આગામી સમયમાં પહાડી પ્રવાસન સ્થળો પર કાયમી પાર્કિંગ, ટ્રાફિક પ્લાનિંગ અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે.



Source link

Related Articles

Back to top button