ચીને રણમાં તૈયાર કર્યું ન્યૂક્લિયર ચક્રવ્યૂહ, અમેરિકાની ઊંઘ ઉડી, સેટેલાઈટ તસવીરોએ ખોલી પોલ | china 3 layer nuclear base xinjiang desert us threat

![]()
China Nuclear Base Xinjiang: ચીનની જૂની આદત રહી છે કે જ્યાં પણ તેને ખાલી કે સુમસામ જગ્યા દેખાય, ત્યાં તે પોતાનું ખુરાફાતી મગજ ચલાવવાનું શરૂ કરી દે છે. ભારત સરહદે ચીનની આવી ઘણી કરતૂતો પકડાઈ ચૂકી છે, પરંતુ આ વખતે બેઇજિંગ સીધું અમેરિકાને ઘેરવાની મોટી યોજના બનાવી રહ્યું છે. તાજેતરમાં સેટેલાઇટ દ્વારા મળેલી એક રણ વિસ્તારની ગુપ્ત તસવીરોએ અમેરિકાના હોશ ઉડાવી દીધા છે. આ લોકેશન પર ચીન એવો 3-લેયરનો ન્યૂક્લિયર ચક્રવ્યૂહ તૈયાર કરી રહ્યું છે. જેને ભેદવો અમેરિકા માટે અશક્ય બની જશે.
હામી ન્યૂક્લિયર સાઇલો ફિલ્ડમાં ચીન શું કરી રહ્યું છે?
સેટેલાઇટ તસવીરો અનુસાર, ચીનના ઉત્તર-પશ્ચિમી રણમાં આવેલા હામી ન્યૂક્લિયર સાઇલો ફિલ્ડ પાસે ખૂબ જ મોટા પાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે ચીનની ન્યૂક્લિયર મિસાઇલો આજે પણ અમેરિકાના કોઈપણ શહેરને નિશાન બનાવવાની તાકાત રાખે છે, પરંતુ હવે ચીને પોતાની સૌથી લાંબા અંતરની મિસાઇલો વાળા સાઇલો પાસે 80થી વધુ નવા કોંક્રિટ લોન્ચ પેડ્સ અને બંકરોનું આખું નેટવર્ક બિછાવી દીધું છે.
આ કોંક્રિટ પેડ્સ એટલા વિશાળ છે કે, તેનો ઉપયોગ ચીનના મોબાઇલ મિસાઇલ લોન્ચર્સના કાફલા અને એર-ડિફેન્સ મિસાઇલ બેટરીઓ માટે સરળતાથી થઈ શકે છે. આ સાથે જ ત્યાં ઇલેક્ટ્રોનિક વોરફેર અને સેટેલાઇટ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા અત્યાધુનિક સૈન્ય ઠેકાણાઓ પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ પણ વાંચો : અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનને અડફેટે લીધા, 5ના મોત, 34 ઈજાગ્રસ્ત
કેવો છે આ 3-લેયરનો ન્યૂક્લિયર ચક્રવ્યૂહ?
આ સમગ્ર રણ વિસ્તારના નેટવર્કમાં ત્રણ ઓક્ટાગોન (અષ્ટકોણ) આકારના મિલિટરી બેઝ મળી આવ્યા છે, જેમાંથી બે બેઝ છેલ્લા છ વર્ષમાં પૂર્વી શિનજિયાંગમાં તૈયાર કરાયા છે. આમાંના ઉત્તરી ઓક્ટાગોન બેઝને ખૂબ જ ચાલાકીથી 3-લેયરના ચક્રવ્યૂહ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સુરક્ષા વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે.
પહેલું લેયર (કોર): આ ચક્રવ્યૂહના બિલકુલ કેન્દ્રમાં એક મુખ્ય કમાન્ડ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે.
બીજું લેયર: કેન્દ્રની આસપાસ ઇમારતોનો એક મોટો ઘેરાવો બનાવવામાં આવ્યો છે, જે મિલિટરી સ્ટાફ અને સૈનિકોના રહેવા માટે છે.
ત્રીજું લેયર: સૌથી બહારના આ ત્રીજા લેયરનો ઉપયોગ ભારે મિલિટરી વાહનો અને ઘાતક ટ્રક-માઉન્ટેડ મિસાઇલ લોન્ચર્સને છુપાવવા તેમજ સ્ટોર કરવા માટે થઈ શકે છે.
આ આખા સૈન્ય બેઝની ચારેય તરફ બખ્તરબંધ બંકરો, સુરક્ષિત હથિયાર ડેપો, હવાઈ પટ્ટીઓ અને રેલવે લાઈનો છે, જે તેને સીધી હામીના પરમાણુ સાઇલો સાથે જોડે છે. તાજેતરમાં જ એપ્રિલ અને મે મહિનામાં આ બેઝની આસપાસ ચીની સેનાના મોટા વાહનો અને મિસાઇલ બેટરીઓ સાથે ભારે સૈન્ય કવાયત પણ જોવા મળી છે.
અમેરિકાના ફર્સ્ટ સ્ટ્રાઈકને બેઅસર કરવાની વ્યૂહરચના
ડિફેન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ચીન આ બધું અમેરિકાના ફર્સ્ટ સ્ટ્રાઈકને બેઅસર કરવા માટે કરી રહ્યું છે. એટલે કે આ તેની સેકન્ડ-સ્ટ્રાઈક કેપેબિલિટીને (જવાબી હુમલાની ક્ષમતા) મજબૂત કરવાની મોટી વ્યૂહાત્મક ચાલ છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પોતાની સુરક્ષા માટે માત્ર અંડરગ્રાઉન્ડ સાઇલો પર ભરોસો કરે છે, પરંતુ ચીન આ બાબતમાં બિલકુલ અલગ રસ્તો પસંદ કરી રહ્યું છે. તે પોતાના અંડરગ્રાઉન્ડ સાઇલોને બચાવવા માટે મિસાઇલ ડિફેન્સ અને મોબાઇલ લોન્ચર્સનું સુરક્ષા કવચ ઊભું કરી રહ્યું છે.
હૂઓયાન-1 સેટેલાઇટ્સથી અર્લી વોર્નિંગ સિસ્ટમ મજબુત
આ સાથે જ ચીને હૂઓયાન-1 (Huoyan-1) સેટેલાઇટ્સની મદદથી પોતાનું અર્લી-વોર્નિંગ સિસ્ટમ પણ મજબૂત કર્યું છે. આ સિસ્ટમ દુશ્મનની મિસાઇલ લોન્ચ થતાંની સાથે જ માત્ર 90 સેકન્ડમાં તેને ડિટેક્ટ કરી લે છે અને ત્રણથી ચાર મિનિટમાં એલર્ટ મોકલી દે છે. એટલે કે જો અમેરિકા પહેલો હુમલો કરે, તો પણ ચીન પાસે પોતાની મિસાઇલો દાગવા માટે પૂરતો સમય મળી રહેશે.
તાઇવાન યુદ્ધ અને 2030 સુધીનો ટાર્ગેટ
જો કે ચીન હંમેશા પોતાની નો ફર્સ્ટ યુઝ પોલિસીના સોગંદ ખાતું આવ્યું છે, જેનો અર્થ એ થાય કે તે પોતે ક્યારેય પહેલા પરમાણુ હુમલો નહીં કરે. પરંતુ પશ્ચિમી દેશોનું માનવું છે કે જો તાઇવાન સાથે યુદ્ધ થાય, તો તેમાં અમેરિકા કે અન્ય બહારની શક્તિઓની દખલગીરી રોકવા માટે ચીન આ પરમાણુ ચક્રવ્યૂહનો ઉપયોગ દબાણ બનાવવા માટે કરી શકે છે. પેન્ટાગોનનો રિપોર્ટ પણ આ જ તરફ ઇશારો કરે છે કે ચીન દુનિયામાં સૌથી ઝડપથી પોતાની પરમાણુ તાકાત વધારી રહ્યું છે અને વર્ષ 2030 સુધીમાં તેની પાસે 1,000થી વધુ પરમાણુ વોરહેડ હશે. ચીનની આ સીક્રેટ તૈયારી અને રણમાં બિછાવવામાં આવી રહેલું મિસાઇલોનું જાળું સ્પષ્ટ કરે છે કે તે અમેરિકા સામે કોઈ કસર છોડવા માંગતું નથી.



