36 સ્થાનિક પક્ષોની આવક એક વર્ષમાં 51 ટકા ઘટી ગઇ | Income of 36 local parties fell by 51 percent in a year

![]()
31 પક્ષોએ ઓડિટ રિપોર્ટ જાહેર નથી કર્યો
ટીડીપી, તૃણમુલ કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસની કમાણી વધુ : ૨૧ પક્ષોની આવક કરતા ખર્ચ વધી ગયો
નવી દિલ્હી: સ્થાનિક કક્ષાના 36 જેટલા રાજકીય પક્ષોની આવકમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અગાઉના વર્ષ કરતા ૫૧ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ ૩૬માંથી ૨૧ પક્ષો એવા છે કે જેણે આવક જાહેર કરી તેના કરતા જાહેર કરેલો ખર્ચો વધુ છે. ૩૧ પક્ષો તો એવા છે કે જેણે પોતાના ખર્ચ આવકનો રિપોર્ટ જ જાહેર નથી કર્યો.
એડીઆર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે કુલ ૬૭ સ્થાનિક નોંધાયેલા પક્ષો છે જેમાંથી ૩૬ પક્ષોએ જે આવક અને ખર્ચની વિગતો આપી તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ૩૧ પક્ષો એવા છે કે જેણે પોતાનો ઓડિટ રિપોર્ટ ડેડલાઇનના ૨૦૭ દિવસ બાદ પણ નહોતો સોંપ્યો.
રિપોર્ટ મુજબ આ ૩૬ સ્થાનિક પક્ષોની કુલ આવક નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧૯૨ કરોડ રૂપિયા હતી, જોકે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આ આવક ૨૪૬૩ કરોડ રૂપિયા હતી, એટલે કે એક જ વર્ષમાં ૫૧ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ આ પક્ષો દ્વારા જે કુલ ખર્ચનો આંકડો જાહેર કરાયો હતો તે ૧૪૩૩ કરોડને પાર પહોંચી ગયો હતો જ્યારે આવક ૧૧૯૨ કરોડ નોંધાઇ હતી, એટલે કે આવક કરતા ખર્ચ વધી ગયો હતો.
જે સ્થાનિક પક્ષોની આવક સૌથી વધુ રહી તેમાં ૨૨૮ કરોડ સાથે ટીડીપી પ્રથમ, ૨૧૯ કરોડ સાથે ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ બીજા ક્રમે, જ્યારે ૧૪૦ કરોડની આવક સાથે વાયએસઆર કોંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યો. જ્યારે ડીએમકે, શિવસેના, શિવસેના (યુબીટી), એનસીપી, નેશનલ કોન્ફરંસ સહિતના ૩૧ પક્ષોએ પોતાનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ નથી કર્યો.



