બાંગ્લાદેશમાં બકરી ઈદે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતાન્યાહૂની આજે કતલ થશે! | Donald Trump and Netanyahu will be slaughtered today on Bakri Eid in Bangladesh

![]()
– ટ્રમ્પ અને નેતાન્યાહૂનો ‘છેલ્લો દિવસ’
– બુદ્ધિશાળી છતાં આક્રમક નેતાન્યાહૂ અને શાંત જણાતા ટ્રમ્પને જોવા માટે બાંગ્લાદેશના ફાર્મમાં ભીડ જામી
ઢાકા : બાંગ્લાદેશમાં બકરી ઈદે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતાન્યાહૂની કતલ થશે. આ બંનેની કતલ થાય તે પહેલાં તેને જોવા માટે બાંગ્લાદેશના ફાર્મમાં ભીડ જામી ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પને મળીને આવેલા લોકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એ ખૂબ શાંત છે. જ્યારે નેતાન્યાહૂ આક્રમક છે. તે સતત ગુસ્સામાં જ રહે છે.
બાંગ્લાદેશના પાટનગર ઢાકાથી થોડે દૂર નારાયણગંજ જિલ્લાના ફાર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતાન્યાહૂને મળીને આવેલા એક મુલાકાતીએ પ્રતિક્રિયા આપી હતી કે ટ્રમ્પ પ્રમાણ ખૂબ સૌમ્ય છે. બહુ માથાકૂટમાં પડવાનો એનો સ્વભાવ નથી. જે એને મળે છે એ સૌને શાંતિથી મળે છે. જ્યારે બેન્જામિન નેતાન્યાહૂ બહુ આક્રમક છે. સતત આંખો તગતગાવીને જુએ છે અને તેને મળનારાને ડરાવી દે છે.
આ ટ્રમ્પ અને નેતાન્યાહૂ બાંગ્લાદેશના ફાર્મમાં આવેલા બે પાડા છે. ઝીયાઉદ્દીન મ્રિધા નામના એના માલિકે કહ્યું હતું કે કતલ માટે તેમને વેચી દેવાયા છે. બકરી ઈદના દિવસે બંનેની કતલ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પ નામ આ ફાર્મના માલિકના ભાઈએ પાડાનો દેખાવ જોઈને આપ્યું હતું. એ પાડાના માથાના વાળ ટ્રમ્પ જેવા જ દેખાય છે એટલે રમૂજમાં આ નામ આપ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયામાં એ પાડો પોપ્યુલર થઈ ગયો હતો. એવી જ રીતે એક બીજો પાડો પણ યોગાનુયોગે આ ફાર્મમાં જ ખરીદીને લવાયો હતો, જેની આંખ અને આઈબ્રો નેતાન્યાહૂ જેવી છે એટલે તેનું નામ બેન્જામિન નેતાન્યાહૂ આપવામાં આવ્યું છે. ૭૦૦ કિલો વજન ધરાવતો ડોનાલ્ડ ટ્રમ્પ પાડો અને ૭૫૦ કિલો વજન ધરાવતો નેતાન્યાહૂ પાડાનો માલિકને સારો એવો ભાવ આવ્યો હતો. બંનેનો એક કિલોએ ૪૨૫ જેવો ભાવ આવ્યો હોવાનું અહેવાલોમાં કહેવાયું હતું.



