યુએઈની કાર્યવાહીના ભયથી પાક.ના નિર્વાસિત શિયા નાગરિકો પરત ફર્યા | Exiled Shia citizens of Pakistan return due to fear of UAE action

![]()
– ઈરાન સાથે સંબંધ હોવાની શંકાનો ભોગ બન્યા
– હજારો શિયા મુસ્લિમોની અપરાધીની જેમ અટક કરીને ઈરાન સાથે સંબંધ હોવા વિશે પૂછપરછ કરાઈ
ચકવાલ (પાકિસ્તાન) : ચકવાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ૧૦૦થી વધુ શિયા મુસ્લિમો સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં તેમની નોકરીઓ, સંપતિ અને આર્થિક સુરક્ષા ખોઈને પાછા ફર્યા છે. સ્થિર જીવન બનાવવા ગલ્ફમાં વર્ષો પસાર કરનાર પાછા ફરેલા આ લોકોએ જણાવ્યું કે તેમની અચાનક અટકાયત કરાઈ હતી અનેક કોઈપણ સ્પષ્ટતા વિના પાકિસ્તાનની ફ્લાઈટમાં બેસાડી દેવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ આ નિષ્કાસન હાલના ઈરાન સંઘર્ષ દરમ્યાન પાકિસ્તાની શિયાઓને પ્રભાવિત કરતા નિષ્કાસનના વ્યાપક અભિયાનનો હિસ્સો હતું.
શિયા રાજકીય સંગઠન મજલિસ વાહદત-એ-મુસલમીને દાવો કર્યો છે કે ફેબુ્રઆરીથી લગભગ ૭,૫૦૦ પાકિસ્તાની શિયાને યુએઈમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, જો કે અધિકારીઓએ સાંપ્રદાયિક આધારે ભેદભાવના આરોપો નકારી નાખ્યા છે. છતાં એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ કબૂલ કર્યું કે સરકાર રાજદ્વારી કારણોસર ગલ્ફના રાજ્ય સાથે જાહેર અથડામણ ટાળવા આ મુદ્દાનું શાંતિથી નિરીક્ષણ કરી રહી છે.
માનવ અધિકાર સંગઠનોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યું કે શિયાઓને લક્ષ્યાંક બનાવીને દેશ બહાર કાઢી મુકાવાના અહેવાલ ચિંતાજનક છે. માનવ અધિકાર કાર્યકરોએ જણાવ્યું કે અખાતના દેશો ઐતિહાસીક રૂપે શિયા સમુદાયોને શંકાની નજરથી જોતા આવ્યા છે, ખાસ કરીને ઈરાન સાથે સંઘર્ષ પછી તણાવ વધી ગયો છે. યુએઈ સરકારે આ આરોપો બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
દુબઈમાં દાયકાઓ ગાળનાર કામદારોએ જણાવ્યું કે તેમની અટકાયત કરવામાં આવી, ઈરાન સાથે સંભવિત સંબંધ બાબતે પૂછપરછ કરવામાં આવી અને પોતાની બચત અથવા મિલકત લીધા વિના કાઢી મુકવામાં આવ્યા. ચકવાલના એક દુબઈ મેટ્રોના ભૂતપૂર્વ મેનેજરે જણાવ્યું કે તેને હાથકડી પહેરાવીને નવ દિવસ અટકાયતમાં રખાયો અને ભીડ વચ્ચે પાછો મોકલી દેવામાં આવ્યો. હવે અનિશ્ચિત ભાવિનો સામનો કરી રહેલા હજારો પરિવારોની કથનીનો પડઘો પાડતા તેણે કહ્યું કે આંખના પલકારામાં હું શૂન્ય થઈ ગયો.



