યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impartial investigation into the cause is necessary: SC in the Twisha case

![]()
– મીડિયાને ટ્વિશા કેસના કવરેજમાં સંયમ રાખવાની સુપ્રીમની સલાહ
– તપાસમાં આરોપીઓને બચાવાઈ રહ્યાં છે તેવું ચિત્ર ખડું થયું તે ચિંતાજનક : સુપ્રીમ કોર્ટ, હવે કેસની તપાસ સીબીઆઈ કરશે
નવી દિલ્હી : અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય ન્યાયધીશ સૂર્યકાંત અને ન્યાયધીશ જોયમાલ્યા બાગચીની બેંચે આ મુદ્દે સુનાવણી કરી ત્યારે સોલિસિટર જનરલે પેરેન્ટ્સને ટકોર કરતાં કહ્યું હતું કે આવી સ્થિતિ આવે તેના કરતાં દીકરી છૂટાછેડા લઈ લે તે વધારે સારી સ્થિતિ ગણવી જોઈએ.
મોડલમાંથી અભિનેત્રી બનેલી ટ્વિશા શર્માનું મધ્યપ્રદેશમાં શંકાસ્પદ મોત થયું હતું. તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં સાસરીમાંથી મળી આવ્યો હતો. તેના લગ્ન વકીલ સમર્થ સિંહ સાથે પાંચ મહિના પહેલાં થયા હતા અને તેની સાસુ ગિરિબાલા સિંહ જિલ્લા કોર્ટના નિવૃત્ત જજ છે. આ મામલે મધ્યપ્રદેશની પોલીસે ફરિયાદ કરી હતી કે તેમના સાસુ અને પતિ તપાસમાં સહકાર આપતા નથી. એ પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ નોટિસ પાછવી હતી.
હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સીબીઆઈ તપાસની ભલામણ કરવાની સાથે ટકોર કરી હતી કે એક યુવતી મૃત્યુ પામી છે, કારણ જે પણ હોય, પરંતુ તેની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. તેની સાસુને તુરંત જામીન મળી ગયા તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે કોર્ટ જ આરોપીઓને કવચ આપી રહ્યું છે તે ચિંતાજનક બાબત છે. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ કેસના કવરેજમાં સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું હતું કે આરોપીઓના ઈન્ટરવ્યૂ ન થાય તે જોવું જોઈએ. કેસમાં જે ડેવલપમેન્ટ હોય તેનું કવરેજ થાય તેમાં સંયમ રાખવાની જરૂર છે. તે ઉપરાંત કોર્ટે બંને પરિવારોને મીડિયામાં નિવેદનો ન આપવાની તાકીદ પણ કરી હતી. સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈ કરશે. તે ઉપરાંત તેમણે પેરેન્ટ્સને એવી ટકોર પણ કરી હતી કે આવી સ્થિતિ આવી જાય તેના કરતાં દીકરી ડિવોર્સ કરી લે તે વધારે સારી સ્થિતિ ગણાવી જોઈએ. સીબીઆઈની ટીમ તપાસ માટે ભોપાલ પહોંચી ગઈ છે અને આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે એવી માહિતી પણ સરકારે આપી હતી.



